યુસુફ પઠાણના જમીન વિવાદમાં રાજકારણ ગરમાયું, અમિત ચાવડાએ સરકાર પર કર્યા પ્રહાર

યુસુફ પઠાણના જમીન વિવાદમાં રાજકારણ ગરમાયું, અમિત ચાવડાએ સરકાર પર કર્યા પ્રહાર
તસવીર: Dhaval barot
આ સમાચાર સાંભળો

વડોદરા કોર્પોરેશન દ્વારા યુસુફ પઠાણને જમીન ફાળવણીના મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. આ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપના શાસનમાં કાયદો, રાહત અને સરકારી નીતિઓમાં બેવડાં ધોરણો અપનાવવામાં આવતા હોવાનો તેમણે ગંભીર આરોપ લગાવ્યો છે. BPL પરિવારોને રાહત દરે પ્લોટ મેળવવા માટે ધક્કા ખાવા પડે છે, જ્યારે રાજકીય વગ ધરાવતા લોકોને જમીન ફાળવવામાં આવે છે તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો છે.

અમિત ચાવડાએ જણાવ્યું કે યુસુફ પઠાણે સરકારી જમીન રહેણાક હેતુ માટે ફાળવવાની માંગણી કરી હતી. માર્ચ 2012માં વડોદરા કોર્પોરેશન દ્વારા અંદાજે 57 હજાર ચોરસ મીટર જમીનનો સર્વે કરી તેની કિંમત નક્કી કરવામાં આવી હતી. ત્યારબાદ જૂન 2012માં જમીન ફાળવણી અંગે દરખાસ્ત કરવામાં આવી હતી.

જાહેરાત

જોકે, આ દરખાસ્ત શહેરી વિકાસ વિભાગમાં ગયા બાદ જૂન 2014માં નામંજૂર કરીને પરત મોકલવામાં આવી હતી. ત્યારબાદ યુસુફ પઠાણને જમીન ખાલી કરવાની નોટિસ પણ આપવામાં આવી હતી.

અમિત ચાવડાના આક્ષેપ મુજબ, તૃણમૂલ કોંગ્રેસમાંથી સાંસદ બન્યા બાદ યુસુફ પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગના કેસની ચીમકી આપવામાં આવી હતી. જમીનની કિંમત જંત્રી મુજબ વસૂલવા અંગે કોર્ટ દ્વારા પણ સૂચના આપવામાં આવી હતી.

પરંતુ હવે યુસુફ પઠાણ ભાજપમાં જોડાયા બાદ આ જ જમીન ગિફ્ટમાં આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનો અમિત ચાવડાએ આરોપ લગાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, જમીનમાં 40 ટકા કપાત સાથે સ્કૂલ અને હોસ્પિટલ જેવા હેતુઓ માટે કામ કરવાની શરત હતી.

કોર્પોરેશન દ્વારા આવતીકાલે આ મામલે ઠરાવ કરવાની તૈયારી કરવામાં આવી રહી હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.

અમિત ચાવડાએ આ સમગ્ર મામલે જનતાના પૈસાની ઉઘાડી લૂંટ થઈ રહી હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ ગુજરાતના લોકોને નુકસાન થશે તો કોંગ્રેસ તેનો ઉગ્ર વિરોધ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. હવે જોવાનું એ રહેશે કે યુસુફ પઠાણને જમીન ફાળવણીના આક્ષેપો અંગે ભાજપ અને વડોદરા કોર્પોરેશન તરફથી શું પ્રતિક્રિયા સામે આવે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત