મધરાતે યુવતીના બેડરૂમમાં ઘૂસ્યો 19 વર્ષનો યુવક, શારીરિક સંબંધની માંગણી કર્યાનો આરોપ

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં એક 30 વર્ષીય યુવતીએ પોતાના જ સમાજના 19 વર્ષીય યુવક વિરુદ્ધ રાત્રિના સમયે બેડરૂમમાં ઘૂસીને અડપલાં કરવા અને શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
રાત્રે આશરે 2 વાગ્યાની આસપાસ બની ઘટના
રવિવારે નોંધાયેલી ફરિયાદ મુજબ, આ ઘટના રાત્રે આશરે 2 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે યુવતી પોતાના ઘરના બીજા માળે આવેલા બેડરૂમમાં એકલી સૂતી હતી. તે સમયે તેના માતા-પિતા અને મોટો ભાઈ ઘરના અન્ય ભાગમાં સૂઈ રહ્યા હતા.
આરોપીએ યુવતીને પકડી લીધી હતી
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે કોઈ તેને સ્પર્શ કરી રહ્યું હોવાનો અહેસાસ થતાં તે જાગી ગઈ હતી અને આંખ ખોલતાં આરોપી યુવક તેની બાજુમાં ઊભેલો જોવા મળ્યો હતો. આરોપીએ યુવતીને કહ્યું હતું કે, તે તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માંગે છે અને ત્યારબાદ તેણે યુવતીને પકડી લીધી હતી. યુવતીએ બૂમાબૂમ કરતા તેના માતા-પિતા અને ભાઈ તાત્કાલિક રૂમમાં દોડી આવ્યા હતા, જેને જોઈને આરોપી ઘરમાંથી ભાગી છૂટ્યો હતો.
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
યુવતીના જણાવ્યા મુજબ, આ ઘટનાથી તેનો પરિવાર શરૂઆતમાં ડરી ગયો હોવાથી તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો ન હતો, પરંતુ સમાજના અન્ય આગેવાનો અને સભ્યો સાથે ચર્ચા કર્યા બાદ તેણે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લીધો હતો.










