નાના ચિલોડામાં નશામાં ધૂત કારચાલકનો આતંક, મોપેડ સવાર દંપતીને ટક્કર મારી

નાના ચિલોડામાં નશામાં ધૂત કારચાલકનો આતંક, મોપેડ સવાર દંપતીને ટક્કર મારી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદ શહેરના નાના ચિલોડા વિસ્તારમાં બુધવારે અકસ્માતની ઘટના સામે આવી છે. નશામાં ધૂત બે શખ્સોએ પોતાની કાર પૂરપાટ ઝડપે અને બેદરકારીપૂર્વક હંકારીને રસ્તા પર જઈ રહેલા મોપેડ સવાર દંપતનીને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત સર્જેલી કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી. આસપાસના સ્થાનીકોએ નશામાં ઘૂત આ બે શખ્સોને પકડીને પોલીસને સોંપ્યા હતા.

 

નશામાં ધૂત કાર ચાલકે મોપેડ સવાર દંપતીને મારી ટક્કર

જાહેરાત

મળતી માહિતી પ્રમાણે, નાના ચિલોડા વિસ્તારમાં બુધવારે (11 નવેમ્બર)ના રોજ બપોરના સમયે બે શખ્સો નશાની હાલતમાં પોતાની કાર પૂરઝડપે બેદરકારીપૂર્વક હંકારી જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમણે એક મોપેડ સવાર દંપતીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારની આગળની નંબર પ્લેટ, કાચ અને બમ્પર સંપૂર્ણપણે તૂટી ગયાં હતાં.

કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી

અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને કારની તપાસ કરતા તેમાંથી દારૂની બોટલો મળી આવી હતી અને બન્ને શખ્શો નશાની હાલતમાં હતા. નશો કરી કાર હંકારવાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તેમણે છાકટા બન્ને કારચાલકને બરાબરનો પાઠ ભણાવી મેથીપાક આપ્યો હતો.

ઝડપાયેલ બન્ને શખ્સ રાજકોટના રહેવાસી

સમગ્ર મામલે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા તાત્કાલિક નરોડા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બન્ને શખ્સોની અટકાયત કરી હતી. ઝડપાયેલ બન્ને શખ્સો રાજકોટના નિવાસી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

જ્યારે બન્ને શખ્સોને પોલીસ સ્ટેશન લઈ જવાયા ત્યારે બન્ને શખ્સો દારૂના એટલા નશામાં હતા કે લથડિયા ખાતા હતા અને તેમના મોઢામાંથી દારૂની તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. સમગ્ર મામલે પોલીસે ગંભીરતા દાખવી કાર ચાલક સામે અકસ્માત અને નશાબંધી ભંગ બદલ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોટેરા રોડ પર સગીર કારચાલકનો અકસ્માત, AMCના ટ્રેક્ટર સાથે કાર ધડાકાભેર અથડાઈ

અન્ય એક ઘટનાની વાત કરીએ તો, અમદાવાદના ભાટ-મોટેરા રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરઝડપે આવી રહેલી એક કાર રોડ પર ડિવાઇડર પાસે વૃક્ષ છાંટવાની કામગીરી કરતા AMCના ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેક્ટર સાથે અથડાવાને કારણે કારનો આગળનો ભાગ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે આ જીવલેણ અકસ્માત સર્જનારી કાર કોઈ પુખ્ત વયની વ્યક્તિ નહીં પરંતુ એક નાનો બાળક ચલાવી રહ્યો હતો. આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભારે રોષ અને ચિંતા ફેલાઈ ગઈ હતી કે સગીર વયના બાળકોના હાથમાં વાહનની ચાવી સોંપવી કેટલી જોખમી સાબિત થઈ શકે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત