"સત્તાના નશામાં બોખલાઈ ગયા છે સાંસદ" — બિરસા મુંડા જયંતીના કાર્યક્રમમાં ભાજપ સાંસદની જીભ લપસતાં કોંગ્રેસ લાલઘૂમ, છોટાઉદેપુરમાં ગરમાયું રાજકારણ!

"સત્તાના નશામાં બોખલાઈ ગયા છે સાંસદ" — બિરસા મુંડા જયંતીના કાર્યક્રમમાં ભાજપ સાંસદની જીભ લપસતાં કોંગ્રેસ લાલઘૂમ, છોટાઉદેપુરમાં ગરમાયું રાજકારણ!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

છોટાઉદેપુર જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીની ઉજવણીના પવિત્ર અવસરે યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપના સાંસદના વિવાદાસ્પદ નિવેદનને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુ રાઠવાએ યુવા સંમેલન દરમિયાન વિપક્ષના લોકોને 'કૂતરા' તરીકે સંબોધ્યા હોવાના ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે. આ મુદ્દે હવે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થતાં આગામી દિવસોમાં વિવાદ વધુ વકરી શકે છે.

યુવા સંમેલનમાં સાંસદની વિવાદાસ્પદ ટિપ્પણી

જાહેરાત

ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે છોટાઉદેપુર ખાતે એક યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ઉપસ્થિત રહેલા છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ પોતાના સંબોધન દરમિયાન વિપક્ષ પર પ્રહારો કરતાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. સાંસદે વિપક્ષના લોકો માટે 'કૂતરા' જેવા અપમાનજનક શબ્દનો પ્રયોગ કર્યો હોવાનો આક્ષેપ ઊઠ્યો છે.

કોંગ્રેસનો વળતો પ્રહાર

સાંસદના આ નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. કોંગ્રેસના અગ્રણી નેતા અર્જુન રાઠવા તેમજ આદિવાસી સમાજના અન્ય આગેવાનોએ સાંસદ સામે મોરચો માંડીને તીખી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ નેતાએ સાંસદ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, સાંસદ સત્તાના નશામાં બોખલાઈ ગયા છે. જે રીતે હડકાયેલો કૂતરો વર્તન કરે, તે રીતે સાંસદ બેફામ નિવેદનો આપી રહ્યા છે.

બહારથી આવીને આદિવાસી સમાજને બદનામ કરવાનું ષડયંત્રઃ કોંગ્રેસ

કોંગ્રેસના નેતાઓએ વધુમાં આક્ષેપ કર્યો કે, છોટાઉદેપુર જિલ્લામાં ભાજપના નેતાઓ બહારથી આવીને અહીંના ભોળા આદિવાસી સમાજને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. તેમણે રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, સાંસદ પોતે પણ આદિવાસી સમાજમાંથી જ ચૂંટાઈને સંસદ સુધી પહોંચ્યા છે અને બીજી તરફ વિપક્ષમાં બેઠેલા નેતાઓ પણ આદિવાસી સમાજના જ દીકરાઓ છે. આમ છતાં, વિપક્ષી નેતાઓને આ રીતે સંબોધીને સાંસદે માત્ર વિપક્ષનું જ નહીં, પરંતુ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન કર્યું છે.

એક જ દિવસે ભાજપ અને કોંગ્રેસ દ્વારા કાર્યક્રમોનું આયોજન

ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે છોટાઉદેપુર જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. એક જ દિવસે ભાજપ અને કોંગ્રેસ દ્વારા અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતાં આદિવાસી મતદારોને રિઝવવાની હોડ જામી છે. રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનોની હાજરીમાં નસવાડી ખાતે રેલી અને જાહેરસભા યોજવામાં આવી છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પક્ષની સ્થિતિ નબળી પડી હોવાનો કર્યો સ્વીકાર

કોંગ્રેસના આગેવાને સરકાર પર આકરા પ્રહારો કરતાં આક્ષેપ કર્યો કે, સરકાર આદિવાસી વિસ્તારોમાં પૂરતો વિકાસ કરવામાં નિષ્ફળ રહી છે અને યુવાનોને રોજગારી મળતી નથી. બીજી તરફ, જિલ્લામાં આમ આદમી પાર્ટીના વધી રહેલા પ્રભુત્વ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પક્ષની સ્થિતિ નબળી પડી હોવાનો સ્વીકાર કર્યો હતો, જોકે તેમણે ઉમેર્યું હતું કે હવે સ્થિતિમાં ધીમે-ધીમે સુધારો થઈ રહ્યો છે.

આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે છોટાઉદેપુરના આદિવાસી પટ્ટામાં ભાજપ, કોંગ્રેસ અને આપ એમ ત્રણેય પક્ષો સક્રિય થતાં રાજકીય હલચલ તેજ બની છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત