દુનિયા જે ગેમની દીવાની બની છે તે GTA 6 પાછળ છે ભારતીયોનું ભેજું! બેંગલુરુના 1,600+ ડેવલપર્સે રચ્યો ઈતિહાસ

વિશ્વભરના ગેમિંગ જગતમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે 'ગ્રાન્ડ થેફ્ટ ઓટો 6'ના ગ્લોબલ લોન્ચ બાદ ભારત માટે અત્યંત ગૌરવ લેવા જેવી એક મોટી વાત સામે આવી છે. આ મેગા-બજેટ અને વિશ્વપ્રસિદ્ધ ગેમને તૈયાર કરવામાં ભારતના સિલિકોન વેલી ગણાતા બેંગલુરુના 1,600થી વધુ ડેવલપર્સે અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. બેંગલુરુ દક્ષિણના સાંસદ તેજસ્વી સૂર્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને આ ઐતિહાસિક યોગદાનની માહિતી શેર કરી છે.
બેંગલુરુ સ્થિત Rockstar Indiaની ટીમે તૈયાર કર્યો છે ગેમનો મોટો હિસ્સો
સાંસદ તેજસ્વી સૂર્યાએ 18 નવેમ્બર 2026ના રોજ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં જે ગેમનો જબરદસ્ત ક્રેઝ છે, તે GTA 6ના ડેવલપમેન્ટનો એક મોટો હિસ્સો બેંગલુરુમાં આવેલા રોકસ્ટાર ઈન્ડિયાના સ્ટુડિયોમાં 1,600થી વધુ ભારતીય ડેવલપર્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તેજસ્વી સૂર્યાએ પોતાની પોસ્ટમાં ગર્વ સાથે લખ્યું કે અત્યાર સુધી બેંગલુરુને માત્ર IT ઈન્ડસ્ટ્રીના હબ તરીકે ઓળખવામાં આવતું હતું, પરંતુ આ સિદ્ધિ સાબિત કરે છે કે વૈશ્વિક વીડિયો ગેમ ડેવલપમેન્ટ સેક્ટરમાં પણ ભારત પોતાનો ડંકો વગાડી રહ્યું છે.
માત્ર એક કમ્પ્યુટરથી શરૂ થઈ હતી 'ધ્રુવ ઈન્ટરેક્ટિવ'ની રોચક સફર
GTA 6માં ભારતીય ડેવલપર્સના આ વિરાટ યોગદાન પાછળની કહાની અત્યંત પ્રેરણાદાયક છે, જેની શરૂઆત લગભગ ત્રણ દાયકા પહેલાં થઈ હતી. અહેવાલો અનુસાર, આ સફરની શરૂઆત વર્ષ 1995માં રાજેશ રાવ દ્વારા સ્થાપિત 'ધ્રુવ ઈન્ટરેક્ટિવ' નામની કંપનીથી થઈ હતી, જેને માત્ર એક જ કમ્પ્યુટર સાથે શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં તે એક મલ્ટીમીડિયા કંપની હતી, પરંતુ વર્ષ 1997માં તેણે ગેમ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં પગ મૂક્યો. સમય જતાં આ ભારતીય સ્ટુડિયોએ આંતરરાષ્ટ્રીય ગેમિંગ કંપનીઓમાં પોતાની મજબૂત શાખ જમાવી અને માઈક્રોસોફ્ટની સુપરહિટ 'ફોર્ઝા મોટરસ્પોર્ટ' ફ્રેન્ચાઇઝી સહિત અનેક મોટી ગ્લોબલ ગેમ્સના નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું.
કેવી રીતે Rockstar Gamesનો હિસ્સો બની આ ભારતીય કંપની?
'ધ્રુવ ઈન્ટરેક્ટિવ'ની વધતી જતી લોકપ્રિયતા અને કામની ગુણવત્તાને જોઈને ડિસેમ્બર 2016માં સ્વીડનની જાણીતી ગેમિંગ કંપની સ્ટારબ્રીઝ એ તેમાં મોટી હિસ્સેદારી ખરીદી લીધી હતી. ત્યારબાદ મે 2019માં GTAના નિર્માતા રોકસ્ટાર ગેમ્સ એ સ્ટારબ્રીઝ પાસેથી $7.9 મિલિયનમાં આ ભારતીય સ્ટુડિયોનું સંપૂર્ણ અધિગ્રહણ કરી લીધું. આ ડીલ બાદ 'ધ્રુવ ઈન્ટરેક્ટિવ'ના અનુભવી ડેવલપર્સ 'રોકસ્ટાર ઈન્ડિયા'ની ટીમનો હિસ્સો બની ગયા.










