ચીનમાં ટ્રમ્પનું ભવ્ય સ્વાગત, જિનપિંગે તોડ્યો પ્રોટોકોલ! હવે પુતિન સાથે મહાબેઠક પર દુનિયાની નજર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના એશિયા પ્રવાસ અંતર્ગત ચીન પહોંચી ગયા છે. ચીનના શેનઝેન એરપોર્ટ પર ખુદ શી જિનપિંગે તેમનું સ્વાગ કરીને પ્રોટોકોલ તોડ્યો હતો. શેનઝેન એરપોર્ટ પર રેડ કાર્પેટ બિછાવીને અમેરિકન પ્રમુખ ટ્રમ્પનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં જિનપિંગે તેમને પુષ્પગુચ્છ અર્પણ કર્યો હતો અને બંને નેતાઓ એકબીજાને ગળે મળ્યા હતા.
ફિલિપાઇન્સ બાદ હવે ચીનમાં મહાસત્તાઓનું મહાસંમેલન
ટ્રમ્પની આ ચીન મુલાકાત તેમના એશિયા પ્રવાસનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. ચીન આવતા પહેલા તેઓ ફિલિપાઇન્સ ગયા હતા, જ્યાં તેમણે પ્રમુખ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયર અને અન્ય ટોચના નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. હવે ચીનમાં પ્રમુખ શી જિનપિંગ બાદ તેમની મુલાકાત રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે થવાની છે. આ ત્રણેય વૈશ્વિક નેતાઓની પ્રસ્તાવિત બેઠકને આંતરરાષ્ટ્રીય રાજનીતિના દ્રષ્ટિકોણથી અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે.
ત્રિપક્ષીય બેઠક અને કિમ જોંગ ઉન સાથે મુલાકાતની ચર્ચા
શેનઝેનમાં ટ્રમ્પ, જિનપિંગ અને રશિયન પ્રમુખ પુતિન વચ્ચે ત્રિપક્ષીય બેઠક યોજાવાની છે. આ પ્રકારની ત્રિપક્ષીય વાતચીતને વૈશ્વિક સ્તરે ઐતિહાસિક માનવામાં આવી રહી છે, જેમાં યુક્રેન યુદ્ધ, અમેરિકા-ચીન વેપાર સંબંધો અને વિશ્વના અન્ય ગંભીર મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. રશિયન પ્રમુખ પુતિને આ બેઠકમાંથી ઘણી સકારાત્મક સંભાવનાઓ નીકળવાની આશા વ્યક્ત કરી છે. બીજી તરફ, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે પ્રમુખ ટ્રમ્પની સંભવિત મુલાકાત અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે પ્રમુખ ટ્રમ્પ આવી કોઈ પણ મુલાકાતને કોઈ પ્રકારની છૂટછાટ તરીકે જોતા નથી, જોકે કિમ જોંગ ઉન સાથેની બેઠકની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
APEC સમિટમાં જિનપિંગે ફ્રી ટ્રેડ અને AI પર મૂક્યો ભાર
ટ્રમ્પના આગમન પહેલા શી જિનપિંગે APEC CEO સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે ફ્રી ટ્રેડ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના ક્ષેત્રમાં વૈશ્વિક સહયોગ વધારવાની અપીલ કરી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વિશ્વના દેશોએ વેપાર અને રોકાણના અવરોધો દૂર કરવા જોઈએ અને સંતુલિત વિકાસને પ્રોત્સાહન આપવું જોઈએ. પ્રમુખ જિનપિંગે વૈજ્ઞાનિક અને ટેકનિકલ ઇનોવેશન, ડિજિટલ અર્થવ્યવસ્થા તેમજ AI ના ક્ષેત્રમાં ભાગીદારી મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો, અને સાથે જ હરિત તથા ઓછા કાર્બન ઉત્સર્જન વાળી અર્થવ્યવસ્થાની દિશામાં સાથે મળીને કામ કરવાની વાત કરી હતી.
પુતિનના પશ્ચિમી દેશો પર પ્રહાર અને કેર્ચ બ્રિજનો મુદ્દો
પુતિને પણ APEC CEO સમિટને સંબોધિત કરતા પશ્ચિમી દેશો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પશ્ચિમી દેશોને 'દબદબો ધરાવતી ભૂતપૂર્વ તાકાતો' ગણાવતા કહ્યું હતું કે યુરોપ અત્યારે અપમાનજનક પતનના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. પ્રમુખ પુતિને દાવો કર્યો હતો કે યુક્રેન પર રશિયાના હુમલા બાદ લગાવવામાં આવેલા પશ્ચિમી પ્રતિબંધોની ઊલટી અસર થઈ છે અને આ પ્રતિબંધોથી રશિયા પહેલા કરતા વધુ મજબૂત બન્યું છે. નોંધનીય છે કે પ્રમુખ પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુક્રેને કબજા હેઠળના ક્રિમિયાને રશિયા સાથે જોડતા અત્યંત મહત્ત્વપૂર્ણ કેર્ચ રોડ બ્રિજને નષ્ટ કરી દીધો છે, જે રશિયાના 4 વર્ષથી ચાલી રહેલા યુદ્ધ માટે વ્યૂહાત્મક રીતે ઘણો મહત્ત્વનો માનવામાં આવતો હતો. હવે સમગ્ર વિશ્વની નજર ટ્રમ્પ, જિનપિંગ અને પુતિનની આ પ્રસ્તાવિત બેઠક પર ટકેલી છે.










