જેફરી એપસ્ટિન કેસમાં ચોંકાવનારો વળાંક: આત્મહત્યા નહીં, ગળું દબાવી હત્યા કરાયાનો ફોરેન્સિક નિષ્ણાતનો દાવો

અમેરિકાના કુખ્યાત સેક્સ ઓફેન્ડર જેફરી એપસ્ટિનના જેલમાં થયેલા રહસ્યમય મોત મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. એક જાણીતા ફોરેન્સિક નિષ્ણાતે ઓટોપ્સી (પોસ્ટમોર્ટમ) રિપોર્ટ અને ફોટોગ્રાફ્સનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યા બાદ દાવો કર્યો છે કે એપસ્ટિનનું મોત આત્મહત્યાથી નહીં, પરંતુ કોઈએ ગળું દબાવીને હત્યા કરી હતી.
ઓટોપ્સી અને ફોરેન્સિક વિશ્લેષણની મુખ્ય વિગતો
આ કેસમાં નિષ્ણાત દ્વારા ઓટોપ્સી રિપોર્ટ અને તસવીરોના આધારે કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે.
પાછળથી ગળું દબાવ્યાની આશંકા: પ્રોફેસર માઈકલ ફ્રીમેનના મતે, એપસ્ટિનનું ગળું દોરડા કે કપડાં વડે પાછળથી દબાવાયું હતું. ત્યારબાદ, તેજ વસ્તુનો ઉપયોગ કરીને મૃતદેહને બંક બેડ પર લટકાવી દેવામાં આવ્યો હતો, જેથી તે આત્મહત્યા જેવો લાગે.
શરીર પર ઈજાઓ અને મારપીટના નિશાન: ઓટોપ્સીના ફોટોગ્રાફ્સમાં એપસ્ટિનના ડાબા ખભામાં ઊંડા ઘા જોવા મળે છે, ત્યાંથી લોહી પણ નીકળ્યું હતું. આ સિવાય તેના ચહેરા પર પણ માર મારવામાં આવ્યો હોય તેવી ઈજાઓ હતી.
નખના નિશાન અને બચાવના પ્રયાસો: ગળા પરના નિશાનની બરાબર ઉપર નખના ઉઝરડા જોવા મળ્યા છે. નિષ્ણાતના જણાવ્યાનુસાર, પાછળથી ગળું દબાવવામાં આવે ત્યારે પીડિત વ્યક્તિ ગળામાંથી ફાંસો હટાવવાનો પ્રયાસ કરે છે, જેના કારણે આવા નિશાન પડે છે.
મૃતદેહ મળવાની સ્થિતિ અને ઈજાઓમાં અસંગતતા: કસ્ટડીમાં ફાંસીના કિસ્સામાં નિયમ મુજબ મૃતદેહને નીચે ઉતારતા પહેલા તેના ફોટોગ્રાફ્સ લેવા જરૂરી હોય છે, પરંતુ આ કેસમાં ગાર્ડ્સે સીધો જ મૃતદેહ નીચે ઉતારી લીધો હતો. ફ્રીમેનનું કહેવું છે કે એપસ્ટિનના શરીર પરની ઈજાઓ અને જે રીતે મૃતદેહ મળ્યો હતો તે બંને હકીકતો એકબીજા સાથે બિલકુલ મેચ થતી નથી.
ઓટોપ્સી રિપોર્ટ અને તપાસના વિરોધાભાસી દાવા
આ અંગે ચીફ મેડિકલ એક્ઝામિનરે કહ્યું હતું કે, વર્ષ 2019માં ઓટોપ્સી કરનારા તત્કાલીન ચીફ મેડિકલ એક્ઝામિનર ડૉ. બાર્બરા સેમ્પસને જણાવ્યું હતું કે એપસ્ટિનની ઈજાઓ ફાંસી ખાઈને કરેલી આત્મહત્યા સાથે સંપૂર્ણ સુસંગત છે. તેમના મતે, આ કેસમાં હત્યા વખતે જોવા મળતા ડિફેન્સિવ વુડ્સ એટલે કે બચવા માટે સંઘર્ષના નિશાનના કોઈ પ્રમાણ ન હતા. અને આ દાવા માટે હું અડગ છું.
બીજી તરફ, ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના રિપોર્ટ પ્રમાણે, 10 ઓગસ્ટ 2019ના રોજ જેલના ગાર્ડે એપસ્ટિનને મૃત હાલતમાં જોતા જ તરત બીજા સહકર્મીને બોલાવ્યો. તેમણે તેનો મૃતદેહ નીચે ઉતાર્યો હતો. રસપ્રદ વાત એ છે કે, આ ઘટના બન્યાના બરાબર એક મહિના પહેલા જ જેલ સત્તાવાળા દ્વારા એપસ્ટિનને 'સુસાઈડ વોચ' પરથી હટાવી લેવાયો હતો. જે લોકો જેલમાં આત્મહત્યા કરશે એવી આશંકા હોય, તેમના પર આવી વૉચ રાખવામાં આવતી હોય છે.
આ ગંભીર આરોપો કરનારા પ્રો. માઈકલ ફ્રીમેન કોણ છે?
પ્રો. ફ્રીમેન અગાઉ અમેરિકામાં પોલીસ કસ્ટડીમાં થયેલા મૃત્યુના કેસો (જેમ કે જ્યોર્જ ફ્લોયડ કેસ) માં એટર્ની-જનરલ માટે કોઝ-ઓફ-ડેથ એક્સપર્ટ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે આ વિશ્લેષણ એપસ્ટિનના ભાઈ માર્ક એપસ્ટિન દ્વારા અપાયેલા મેડિકલ રેકોર્ડ અને ફોટોગ્રાફ્સના આધારે કર્યું છે. એપસ્ટિનનો ભાઈ શરૂઆતથી જ તેના ભાઈની હત્યાનો દાવો કરી રહ્યો છે.
ફ્રીમેનનું કહેવું છે કે, મારું વિશ્લેષણ સ્વતંત્ર છે. આ માટે મેં માર્ક એપસ્ટિન તરફથી કોઈ ફી લીધી નથી. જો કે આ સંશોધનનો હજુ સુધી કોઈ રિવ્યૂ થયો નથી. ફ્રીમેનને પૂછવામાં આવ્યું કે જો હત્યા થઈ હોય તો કોણે કરી હશે? ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે આ વિશે cvs ખબર નથી. હું માત્ર મેડિકલ પુરાવાના આધારે વાત કરું છું. જો કોઈને આ થિયરી ખોટી લાગતી હોય, તો તેઓ તર્કબદ્ધ રીતે સાબિત કરી શકે છે.
એપસ્ટિનની હત્યાના કેસની પૃષ્ઠભૂમિ
2008: જેફરી એપસ્ટિનને સગીરા પાસે પ્રોસ્ટિટ્યુશન (દેહવ્યાપાર) કરાવવાના ગુનામાં દોષિત ઠેરવાયો હતો. પરંતુ એક કાયદાકીય સમજૂતીના કારણે તે મોટી જેલની સજામાંથી બચી ગયો હતો અને તે કેસ ફક્ત સેક્સ ઓફેન્ડર તરીકે નોંધાયો.
જુલાઈ 2019: આ ઘટનાના 11 વર્ષ પછી, એપસ્ટિન પર સગીરાઓનું સેક્સ ટ્રાફિકિંગ નેટવર્ક ચલાવવાનો આરોપ મૂકાયો. ટ્રાયલની રાહ જોતા તેને ન્યૂયોર્ક સિટીની મેટ્રોપોલિટન કરેક્શનલ સેન્ટરમાં રખાયો હતો.
10 ઓગસ્ટ 2019: ટ્રાયલ શરૂ થાય તે પહેલાં જ એપસ્ટિન પોતાની જેલની કોટડીમાં મૃત હાલતમાં મળી આવ્યો.
નોંધનીય છે કે, એપસ્ટિનના મોત મામલે સત્તાવાર તપાસ ભલે આત્મહત્યા તરફ ઈશારો કરતી હોય, પરંતુ ફોરેન્સિક નિષ્ણાતના આ દાવાએ સમગ્ર કેસમાં નવો જ વળાંક આપ્યો છે. આ વિવાદ સાબિત કરે છે કે હાઈ-પ્રોફાઈલ કેસોમાં ન્યાય અને સત્ય સુધી પહોંચવા માટે મેડિકલ પુરાવાની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ પુનઃતપાસ કેટલી જરૂરી છે.








