Video: 116 સુંદરીઓને પછાડી પ્યુઅર્ટો રિકોની જેનિફર બની વિશ્વ સુંદરી, ભારતનું સપનું તૂટ્યું!

75મા મિસ યુનિવર્સ સ્પર્ધામાં પ્યુઅર્ટો રિકોની જેનિફર બેરેટો વિજેતા બની છે. આ સ્પર્ધામાં ડોમિનિકન રિપબ્લિક રનર-અપ રહ્યું છે, જ્યારે વેનેઝુએલાએ ત્રીજું સ્થાન મેળવ્યું છે. ભારત તરફથી ભાગ લઈ રહેલી કાઝિયા લિઝ મેજો ટોપ થર્ટી રાઉન્ડ સુધી પહોંચી હતી, પરંતુ ટોપ ટ્વેલ્વમાં સ્થાન મેળવતા પહેલાં જ બહાર થઈ ગઈ હતી. મિસ યુનિવર્સનો ખિતાબ જીતનારી જેનિફર બેરેટો પ્રિવેન્શન સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરે છે. તેણે રિસર્ચ સાયકોલોજીમાં બેચલર ડિગ્રી અને સાયકોલોજી તથા ક્લિનિકલ સોશિયલ વર્કમાં બે માસ્ટર ડિગ્રી મેળવી છે. વર્ષ 2021માં તેણે ટેક્સાસના ફૉર્ટ હૂડ ખાતે અમેરિકન ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સ સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ફેમિલી એડવોકેસી પ્રોગ્રામ હેઠળ તેણે ઘરેલુ હિંસા અને બાળ શોષણનો ભોગ બનેલા લશ્કરી પરિવારોને મદદ કરી હતી તેમજ નેતાઓને નિવારણ અને મદદની વ્યૂહનીતિ અંગે તાલીમ પણ આપી હતી. આ ઉપરાંત તેણે કાર્લ આર. ડાર્નલ આર્મી મેડિકલ સેન્ટરમાં સ્વયંસેવક તરીકે સેવા આપી છે અને પ્યુઅર્ટો રિકોમાં પીડિયાટ્રિક ડાયાબિટીસ એસોસિએશન સાથે પણ સામાજિક કાર્યમાં જોડાયેલી છે. ફાઈનલ પ્યુઅર્ટો રિકોના સાન જુઆન સ્થિત જોસ મિગુએલ એગ્રેલોટ કોલિઝિયમમાં યોજાયો હતો, જે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાના 75 વર્ષ પૂરા થવાની ઉજવણી સમાન હતો. આ સ્પર્ધામાં કુલ 116 સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને નેશનલ કૉસ્ચ્યુમ, પ્રિલિમિનરી તથા ફાઈનલ રાઉન્ડમાં પોતાની રજૂઆત કરી હતી.










