Video: ઓસ્ટ્રેલિયન સંસદમાં દેખાયો માતૃત્વ અને ફરજનો અદભૂત સંગમ

આ દ્રશ્ય જ ઘણું બધુ કહી જાય છે. આ દ્રશ્ય આજે દુનિયાભરના લોકોના મોબાઈલમાં સૌથી વધુ જોવાયેલુ દ્રશ્ય છે. ઓસ્ટ્રેલિયાના મુસ્લિમ સેનેટર ફાતિમા પેમાન સંસદના સત્ર દરમિયાન પોતાની નાનકડી દીકરી આલિયાને સાથે લઈને સેનેટ ચેમ્બરમાં પહોંચ્યા હતા. સામાન્ય રીતે સંસદની કાર્યવાહી ગંભીર અને ઔપચારિક હોય છે, પરંતુ આ નાનકડી મહેમાનની હાજરીએ સમગ્ર માહોલને ભાવુક અને ખુશનુમા બનાવી દીધો. આ ઘટનાની સૌથી ખાસ વાત ત્યારે બની જ્યારે સેનેટર ફાતિમા પેમાન સંસદમાં પોતાનું ભાષણ આપી રહ્યા હતા. એક તરફ તેઓ દેશના મહત્વના મુદ્દાઓ પર પોતાની વાત મક્કમતાથી રજૂ કરી રહ્યા હતા, તો બીજી તરફ તેમના સાથી સેનેટરોએ આગળ આવીને એક પરિવારની જેમ નાનકડી આલિયાને સંભાળવાની જવાબદારી ઉપાડી લીધી. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ફાતિમા પેમાન જ્યારે સંસદમાં સંબોધન કરી રહ્યા છે ત્યારે એક હાથમાં બાળકી તેમની સાથે રમી રહી છે. આ વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ દુનિયાભરમાંથી ફાતિમા પેમાન અને ઓસ્ટ્રેલિયન સંસદના આ વલણની પ્રશંસા થઈ રહી છે. આ દ્રશ્ય એ તમામ વર્કિંગ મધર્સ એટલે કે કામકાજી મહિલાઓ માટે પ્રેરણાદાયી છે, જેઓ દરરોજ પોતાના પરિવાર અને કરિયર વચ્ચે સંતુલન જાળવીને આગળ વધી રહી છે. ખરેખર, જ્યારે ખોળામાં બાળક અને ખભા પર જવાબદારી હોય, ત્યારે એક માતા જ સૌથી મોટી યોદ્ધા સાબિત થાય છે.








