કિમ જોંગ ઉન સ્વિટ્ઝર્લેન્ડ પર ભડક્યાં, દૂતાવાસ બંધ કરીને ચેતવણી આપી તો વિશ્વભરમાં મચ્યો ખળભળાટ

ઉત્તર કોરિયાએ સ્વિત્ઝરલેન્ડના રાજદ્વારી પ્રતિનિધિને 48 કલાકની અંદર દેશ છોડવાનો આદેશ આપીને પ્યોંગયાંગ સ્થિત સ્વિસ ઑફિસ બંધ કરવા જણાવી દીધું છે. ખાસ વાત એ છે કે ઘણા વર્ષો સુધી બંધ રહ્યા બાદ માત્ર થોડા અઠવાડિયા પહેલાં જ સ્વિત્ઝરલેન્ડે ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં પોતાની ઑફિસ ફરીથી ખોલી હતી. બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાના પ્રયાસો શરૂ થયા હતા, પરંતુ એક ચિલ્ડ્રન્સ કેમ્પ પર સ્વિત્ઝરલેન્ડે લગાવેલા પ્રતિબંધને કારણે ઉત્તર કોરિયા ભડકી ઉઠ્યું છે અને તેણે આ પગલાને 'ખુલ્લી દુશ્મની' ગણાવી છે.
કયા કેમ્પ પર પ્રતિબંધ લાગવાથી ભડક્યું ઉત્તર કોરિયા?
આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં ઉત્તર કોરિયાના પૂર્વી શહેર વોન્સનમાં આવેલો 'સોંગડોવોન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ કેમ્પ' છે, જ્યાં રશિયા અને ચીન સહિત ઘણા દેશોના બાળકો આવે છે. સ્વિત્ઝરલેન્ડે આ કેમ્પને પ્રતિબંધોની યાદીમાં સામેલ કર્યો છે. સ્વિસ અધિકારીઓનો આરોપ છે કે રશિયાના કબજા હેઠળના યુક્રેનિયન વિસ્તારોમાંથી બાળકોને ઉત્તર કોરિયા લાવવા માટે આ કેમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ મામલાને રશિયા-યુક્રેન યુદ્ધ સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે અને અગાઉ યુરોપિયન યુનિયન તથા બ્રિટન પણ આ કેમ્પ પર પ્રતિબંધ મૂકી ચૂક્યા છે. જોકે, ઉત્તર કોરિયાએ આ આરોપોને ફગાવી દીધા છે. ઉત્તર કોરિયાની સરકારી ન્યૂઝ એજન્સી KCNAએ સ્વિત્ઝરલેન્ડના નિર્ણયને 'ખુલ્લી દુશ્મની ભર્યું પગલું' ગણાવતા કહ્યું કે, 'આ કાર્યવાહીથી ઉત્તર કોરિયાની સાર્વભૌમત્વ અને તેના નાગરિકોના હિતોનું અપમાન થયું છે.'
48 કલાકમાં દેશ છોડવા 'પર્સોના નોન ગ્રાટા' જાહેર
ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે પ્યોંગયાંગમાં સ્વિત્ઝરલેન્ડની રાજદ્વારી ઑફિસના પ્રમુખ સિલ્વેન એસ્ટિયરને બોલાવીને એક મેમો સોંપ્યો હતો, જેમાં ઑફિસ બંધ કરવા અને 48 કલાકની અંદર દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. KCNAના જણાવ્યા અનુસાર, ઉત્તર કોરિયાએ સ્વિસ પ્રતિનિધિને 'પર્સોના નોન ગ્રાટા' જાહેર કર્યા છે, જેનો સરળ અર્થ એ થાય છે કે યજમાન દેશ હવે કોઈ રાજદ્વારીને પોતાના દેશમાં સ્વીકારવા માંગતો નથી. આ પગલું એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કારણ કે સ્વિત્ઝરલેન્ડ એવા પસંદગીના પશ્ચિમી દેશોમાં સામેલ છે, જે ઉત્તર કોરિયા સાથે વાતચીત અને સંપર્ક જાળવી રાખે છે.
થોડા અઠવાડિયા પહેલાં જ ફરી શરૂ થઈ હતી ઑફિસ
આ નિર્ણયથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે કારણ કે સ્વિત્ઝરલેન્ડના વિદેશ મંત્રી ઇગ્નાઝિયો કેસિસે તાજેતરમાં જ ઉત્તર કોરિયાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વાતચીત થઈ હતી અને 6 વર્ષ બાદ ઓક્ટોબર 2026માં પ્યોંગયાંગ સ્થિત સ્વિત્ઝરલેન્ડની સહયોગ ઑફિસ ફરીથી ખોલવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બંને દેશો વચ્ચે 1974માં રાજદ્વારી સંબંધો સ્થપાયા હતા અને 1997માં માનવીય તથા સહયોગના કાર્યો માટે આ ઑફિસ ખોલાઈ હતી, જેને કોરોના મહામારી દરમિયાન 2020માં બંધ કરી દેવાઈ હતી.
સ્વિત્ઝરલેન્ડે પણ સ્પષ્ટ કર્યું પોતાનું વલણ
ઉત્તર કોરિયાના આ આકરા નિર્ણય બાદ સ્વિત્ઝરલેન્ડે સ્પષ્ટતા કરી છે કે પ્રતિબંધ લગાવવાનો નિર્ણય અને ઉત્તર કોરિયા સાથે વાતચીત ચાલુ રાખવાની નીતિ બંને અલગ બાબતો છે. સ્વિસ વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્યોંગયાંગમાં ઑફિસ ફરીથી ખોલવાનો અર્થ એ બિલકુલ નહોતો કે સ્વિત્ઝરલેન્ડ સંયુક્ત રાષ્ટ્ર (UN)ના પ્રતિબંધો કે રશિયા-યુક્રેન યુદ્ધ સાથે જોડાયેલા યુરોપિયન યુનિયનના પ્રતિબંધોનો અમલ કરવાનું બંધ કરી દેશે.









