દિલજીત દોસાંજના કોન્સર્ટ બાદ અમદાવાદ ચકાચક: AMCના 467 સફાઈ કર્મચારીઓએ 61.5 કિમી વિસ્તારમાં સંભાળ્યો મોરચો

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 21 નવેમ્બર, 2026ના રોજ યોજાયેલા જાણીતા પંજાબી ગાયક દિલજીત દોસાંજના લાઇવ કોન્સર્ટ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં સંગીતપ્રેમીઓ ઉમટ્યા હોવા છતાં સ્ટેડિયમ પરિસર, મુખ્ય માર્ગો, પાર્કિંગ ઝોન અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે 24x7 સફાઈ કામગીરી કરી હતી. AMCના જણાવ્યા અનુસાર, 20 અને 21 નવેમ્બર દરમિયાન સતત સફાઈ અને દેખરેખ માટે વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી હતી. કાર્યક્રમ સ્થળ અને આસપાસના વિસ્તારોમાં કચરો એકત્ર કરવા માટે ખાસ 'લિટર પિકિંગ ટીમો' (Litter Picking Teams) કાર્યરત હતી. આ ઉપરાંત સર્વેલન્સ ટીમ અને સ્વચ્છતા સ્ક્વોડ દ્વારા મુખ્ય માર્ગો, પાર્કિંગ ઝોન તથા VVIP-VIP અવરજવર ધરાવતા રૂટ પર સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.
467 સફાઈ કર્મચારીઓ અને આધુનિક મશીનરી તૈનાત
સફાઈ કામગીરી માટે પશ્ચિમ ઝોનના સાબરમતી, ચાંદખેડા, નવરંગપુરા, નારણપુરા, નવા વાડજ, પાલડી, વાસણા અને સ.પ. સ્ટેડિયમ વોર્ડના આશરે 61.5 કિલોમીટરના વિસ્તારમાં શિફ્ટ પ્રમાણે કુલ 467 સફાઈ કર્મચારીઓ તૈનાત કરાયા હતા. કામગીરીને ઝડપી અને અસરકારક બનાવવા માટે બોબકેટ સ્વીપર, ડ્યુલેવો સ્વીપર, 8 TPS, 16 C&D વેસ્ટ વાન, 24 ડોર-ટુ-ડોર (D2D) વાહનો, ચાર R.C. કોમ્પેક્ટર, ચાર ન્યુસન્સ ટેન્કર અને JCB સહિતની મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
કોન્સર્ટ બાદ મોડી રાત સુધી સફાઈ અભિયાન
સ્ટેડિયમ તરફ જતા મુખ્ય રસ્તાઓ, સેન્ટ્રલ વર્જ, ડિવાઇડર, જંક્શન, અંડરપાસ અને બ્રિજની પણ સતત સફાઈ કરવામાં આવી હતી. કલાકારો તથા VVIP-VIP મહેમાનોના રોકાણ માટેની હોટલોની આસપાસના વિસ્તારોને પણ સ્વચ્છ અને ધૂળમુક્ત રાખવાની કામગીરી હાથ ધરાઈ હતી. કોન્સર્ટ પૂર્ણ થયા બાદ તરત જ સ્ટેડિયમ પરિસર, પ્રવેશદ્વારો અને આસપાસના માર્ગો પર વિશેષ સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. મોડી રાત સુધી સફાઈ કર્મચારીઓ અને સ્વીપર મશીનો દ્વારા કામગીરી ચાલુ રાખીને વિસ્તારોને ફરી સ્વચ્છ બનાવવામાં આવ્યા હતા. AMCએ આ કામગીરીને શહેરના સફાઈ કર્મચારીઓની નિષ્ઠા અને આયોજનબદ્ધ પ્રયાસોનું પરિણામ ગણાવ્યું હતું. કોન્સર્ટમાં આવેલા પ્રેક્ષકોએ પણ શહેરની સ્વચ્છતા અને સફાઈ કર્મચારીઓની કામગીરીની પ્રશંસા કરી હોવાનું AMCના અહેવાલમાં જણાવાયું છે.














