Video: કોમનવેલ્થ ગેમ્સ પહેલાં અમદાવાદમાં 800 સ્માર્ટ બસ સ્ટોપ બનશે: GPSથી બસનું લોકેશન જાણી શકાશે, મેટ્રો-BRTS-AMTS માટે એક જ ટિકિટની યોજના

સોર્સ: gstv

વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ અને 2029ની વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) શહેરની જાહેર પરિવહન વ્યવસ્થાને આધુનિક બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ના અંદાજે 800 મુખ્ય બસ સ્ટોપનું સ્માર્ટ બસ સ્ટોપ તરીકે આધુનિકીકરણ કરવામાં આવશે. આગામી અઢીથી ત્રણ વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે. આ પ્રોજેક્ટનો હેતુ મુસાફરોને વધુ સુરક્ષિત, આરામદાયક અને ટેક્નોલોજી આધારિત સુવિધાઓ પૂરી પાડવાનો છે. આ પહેલનો લાભ અમદાવાદના નાગરિકો ઉપરાંત ઔડા (AUDA) વિસ્તારના 7 લાખથી વધુ લોકોને મળવાની અપેક્ષા છે.

બસ ક્યારે આવશે તેની માહિતી ડિસ્પ્લે પર મળશે

નવા સ્માર્ટ બસ સ્ટોપ પર GPS આધારિત રિયલ-ટાઇમ ETA (Estimated Time of Arrival) ડિસ્પ્લે લગાવવામાં આવશે. તેના દ્વારા મુસાફરોને બસ ક્યાં છે અને તેમના સ્ટોપ પર કેટલા સમયમાં પહોંચશે તેની માહિતી મળી શકશે. આ ઉપરાંત બસ રૂટ મેપ, સમયપત્રક, સેન્સરથી સંચાલિત LED લાઇટિંગ અને બેઠક વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પસંદગીના બસ સ્ટોપ પર મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, Wi-Fi અને ચા-કોફી જેવી રિફ્રેશમેન્ટની સુવિધા પણ આપવાનું આયોજન છે. વરસાદી પાણીના નિકાલ અને મુસાફરોની સરળ અવરજવર માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.

જાહેરાત

મોબાઇલ એપથી બસનું લોકેશન અને રિઝર્વેશન

મુસાફરોની સુવિધા માટે એક મોબાઇલ એપ્લિકેશન વિકસાવવાની પણ યોજના છે. આ એપ દ્વારા નાગરિકો ઘરે બેઠા બસનું લોકેશન, બસ સ્ટોપ પર પહોંચવાનો અંદાજિત સમય અને રૂટની માહિતી મેળવી શકશે. ઉપરાંત બસ રિઝર્વેશનની સુવિધા પણ વિકસાવવાનું આયોજન છે. તેનાથી મુસાફરોને અગાઉથી મુસાફરીનું આયોજન કરવામાં અને બસ સ્ટોપ પર રાહ જોવાનો સમય ઘટાડવામાં મદદ મળશે.

મેટ્રો, BRTS અને AMTS માટે એક જ ટિકિટ

જાહેર પરિવહનને વધુ સરળ બનાવવા મેટ્રો, BRTS અને AMTS માટે સિંગલ વિન્ડો ટિકિટ સિસ્ટમ વિકસાવવાની યોજના પણ છે. હાલમાં આ ત્રણેય સેવાઓ માટે અલગ-અલગ ટિકિટ લેવી પડે છે. નવી વ્યવસ્થા અમલી બન્યા બાદ એક જ ટિકિટથી ત્રણેય પરિવહન સેવાઓનો ઉપયોગ કરી શકાય તેવી સુવિધા વિકસાવવાનો હેતુ છે.

મહિલાઓ અને દિવ્યાંગો માટે ખાસ સુવિધા

સ્માર્ટ બસ સ્ટોપને મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે પણ સુલભ બનાવવામાં આવશે. આ માટે રેમ્પ, ટેક્સ્ચર પેવિંગ અને વ્હીલચેર માટે અનુકૂળ જગ્યા રાખવાનું આયોજન છે. અમદાવાદની ગરમી અને ચોમાસાને ધ્યાનમાં રાખીને મજબૂત છત, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અને હવામાન સામે ટકી શકે તેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે.

BOT ધોરણે બનશે સ્માર્ટ બસ સ્ટોપ

આ સમગ્ર પ્રોજેક્ટ BOT (Build, Operate and Transfer) ધોરણે અમલી બનાવવામાં આવશે. એટલે કે AMTS દ્વારા સીધું મૂડીરોકાણ કરવામાં આવશે નહીં. કોન્ટ્રાક્ટરે બસ સ્ટોપનું સંચાલન, સ્વચ્છતા, જાળવણી અને સુવિધાઓની ગુણવત્તા જાળવવાની રહેશે. હાલમાં પ્રાયોગિક ધોરણે પશ્ચિમ અમદાવાદના સિંધુભવન રોડ, આનંદનગર-સીમા હોલ, સી.જી. રોડ, શુકન મોલ (સાયન્સ સિટી) અને ટીવી ટાવર સહિતનાં સ્થળોએ સ્માર્ટ બસ સ્ટોપ વિકસાવવામાં આવ્યા છે. પૂર્વ અમદાવાદમાં પણ ચાર સ્થળોએ આ પ્રકારના બસ સ્ટોપ શરૂ કરાયા છે. આ ઉપરાંત ફર્સ્ટ માઇલ અને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી મજબૂત કરવા ફીડર બસ સેવા, વધારાની બસો અને નવા રૂટનું આયોજન કરવામાં આવશે. આ પહેલથી અમદાવાદની જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સુવિધાજનક અને ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ બનાવવાનો AMCનો પ્રયાસ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત