મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

Video: NEWS AFTERNOON / એડનમાં રાષ્ટ્રપતિ ભવન પર મિસાઈલ હુમલો, ભાજપથી ભગવાન નારાજ: કપિલ સિબ્બલ, કોમનવેલ્થના આયોજનની તૈયારી વચ્ચે શરમજનક હકીકત

સોર્સ: gstv

એડનમાં રાષ્ટ્રપતિ ભવન પર મિસાઈલ હુમલો

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે યમનના હુથી બળવાખોરોએ એડનમાં આવેલા રાષ્ટ્રપતિ ભવન અને એરપોર્ટ પર બેલિસ્ટિક મિસાઈલો ઝીંકી છે. આ સાથે જ સાઉદી અરેબિયાના પવિત્ર સ્થળો મક્કા અને મદીના તરફ પણ ડ્રોન હુમલાનો પ્રયાસ કરી ક્ષેત્રમાં ભયનો માહોલ વધારી દીધો છે.

કરાચી બંદરે 7 મહિનાથી ભારતીય જહાજ ફસાયું

પાકિસ્તાનના કરાચી બંદરે છેલ્લા ૭ મહિનાથી એક ભારતીય માલવાહક જહાજ અટવાયેલું છે. જેમાં ચીફ ઓફિસર વિનીત મિશ્રા સહિત ૬ ભારતીય નાવિકો મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયા છે. સ્વદેશ વાપસી ન થતાં નાવિકોના પરિવારે દિલ્હી પહોંચીને વડાપ્રધાન અને વિદેશ મંત્રાલય સમક્ષ તાત્કાલિક મદદની ગુહાર લગાવી છે.

જમ્મુ-કાશ્મીરના સીએમ વિરુદ્ધ બળવો? 

જમ્મુ-કાશ્મીરમાં કેબિનેટ ફેરબદલ બાદ સત્તાધારી નેશનલ કોન્ફરન્સમાં મોટો અસંતોષ ભભૂકી ઊઠ્યો છે. શ્રીનગરમાં ૧૫થી વધુ અસંતુષ્ટ ધારાસભ્યોએ ગુપ્ત બેઠક યોજી નવા મંત્રીમંડળ સામે નારાજગી વ્યક્ત કરી આગળની રાજકીય રણનીતિ પર મંથન શરૂ કર્યું છે.

ભાજપથી ભગવાન નારાજ: કપિલ સિબ્બલ

ભાજપના ગઢ ગણાતા નાગપુર સ્નાતક બેઠક પર કોંગ્રેસના અભિજીત વંજારીની જીત બાદ રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે આકરો કટાક્ષ કર્યો છે. સિબ્બલે નિશાન સાધતા કહ્યું કે આ હાર દર્શાવે છે કે હવે સામાન્ય જનતા જ નહીં, ભગવાન પણ ભાજપથી નારાજ છે.

કોમનવેલ્થના આયોજનની તૈયારી વચ્ચે શરમજનક હકીકત

એક તરફ અમદાવાદમાં ૨૦૩૦ની કોમનવેલ્થ અને ઓલિમ્પિક્સ જેવી વૈશ્વિક રમતોની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ સ્માર્ટસિટીના ૪૮માંથી ૧૪ વોર્ડમાં પીવાના પાણી માટે ટેન્કરો દોડાવવા પડી રહ્યા છે. શિયાળાની શરૂઆતમાં જ સર્જાયેલી આ પાણીની અછતે તંત્રના દાવાઓની પોલ ખોલી નાખી છે.

જેતપુરમાં કમોસમી વરસાદે પલાળી મગફળી

 હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે જેતપુર માર્કેટ યાર્ડમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. યાર્ડમાં ખુલ્લામાં પડેલો મગફળીનો મોટો જથ્થો વરસાદમાં પલળી જતાં ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરાતાં યાર્ડના સત્તાધીશો સામે ગંભીર સવાલો ઊભા થયા છે, ત્યારે આગામી બે દિવસની વરસાદી આગાહીએ ખેડૂતો અને વેપારીઓની ચિંતા વધારી દીધી છે.

આ સમાચાર શેર કરો