કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026 ભારતની મહિલા અને પુરૂષ ટીમનો દબદબો, બંનેએ પોતાના નામે કર્યું ટાઈટલ

પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026 (CWKC26) માં ભારતીય પુરુષ અને મહિલા ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. બંને ટીમોએ એકતરફી મુકાબલામાં પોતાના પ્રતિસ્પર્ધીઓને હરાવીને ટ્રોફી જીતી લીધી છે. આ સાથે બંને ટીમોએ સમગ્ર ટૂર્નામેન્ટમાં અપરાજિત રહીને ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી છે.
શનિવારે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભારતીય મહિલા ટીમે ફાઈનલમાં યુગાન્ડાની મહિલા ટીમનો સામનો કર્યો હતો. ભારતીય મહિલાઓએ શરૂઆતથી જ શાનદાર પ્રદર્શન કર્યું અને 35-15થી જીત મેળવીને ખિતાબ પોતાના નામે કર્યો. સાક્ષીએ ભારત માટે નવ પોઈન્ટ મેળવ્યા હતા, જ્યારે અનુ સેને છ પોઈન્ટ અને કેપ્ટન નિધિ શર્માએ પાંચ પોઈન્ટ મેળવ્યા હતા. આ ત્રણેય ખેલાડીઓના શાનદાર પ્રદર્શનથી ભારતને ચેમ્પિયન બનવામાં મદદ મળી હતી.
ભારતીય ટીમનો ડિફેન્સ પણ એટલો જ મજબૂત રહ્યો હતો. રિતુ મિથરવાલ અને સુમન સાહુએ ચાર-ચાર ટેકલ પોઈન્ટ મેળવ્યા હતા. બંનેએ સમગ્ર મેચ દરમિયાન યુગાન્ડાના હુમલાને રોક્યો હતો.
યુગાન્ડા માટે એકમાત્ર સકારાત્મક બાબત નાકાયોંગો શિરાટનું પ્રદર્શન રહ્યું હતું, જેણે ટીમના કુલ 15 પોઇન્ટમાંથી 11 પોઈન્ટ મેળવ્યા હતા. આફ્રિકન ટીમે સેમીફાઈનલમાં શાનદાર રક્ષણાત્મક રમત બતાવી હતી અને ફાઈનલમાં પણ આ પ્રદર્શન જાળવી રાખવાની આશા રાખી હતી, પરંતુ તે સફળ થઈ શકી નહોતી.
ભારતીય મહિલા ટીમે ટાઈટલ જીતવા દરમિયાન બે વખત યુગાન્ડાને ઓલઆઉટ કરી હતી. ભારતે ટેકલ પોઈન્ટમાં 20-14 અને રેડ પોઈન્ટમાં 10-1થી સરસાઈ મેળવી હતી.
ભારતીય પુરુષ ટીમે શ્રીલંકાને 54-20થી હરાવ્યું
ભારતીય પુરુષ ટીમ પણ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અજેય રહીને ફાઈનલમાં પહોંચી હતી. ફાઈનલમાં ટીમે પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું અને શ્રીલંકાને 54-20થી હરાવીને ખિતાબ જીતી લીધો હતો. એશિયન ચેમ્પિયન ભારત સામે શ્રીલંકાની ટીમ કોઈ ખાસ પડકાર ઊભો કરી શકી નહોતી.
CWKC26ની ફાઈનલમાં ભારતીય પુરુષ ટીમે શરૂઆતથી જ આક્રમક રમત બતાવી હતી. પ્રથમ હાફના અંતે ભારતે 30-10ની મજબૂત સરસાઈ મેળવી લીધી હતી. આ સાથે શ્રીલંકા માટે મેચમાં વાપસી કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ હતી.
ભારતીય પુરુષ ટીમ તરફથી આદિત્ય શિંદેએ રેડિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 14 રેડમાં 10 પોઈન્ટ મેળવીને સુપર 10 પૂર્ણ કર્યું હતું. ભરત હૂડાએ પણ તેનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. તેણે આઠ રેડ પોઇન્ટ મેળવ્યા હતા અને એક પણ વખત ટેકલ ન થયો.
ટેકલ પોઈન્ટમાં યોગેશ દહિયાએ પાંચ પોઈન્ટ મેળવીને ટીમનું નેતૃત્વ કર્યું હતું. અન્ય ત્રણ ખેલાડીઓએ પણ બે-બે પોઈન્ટ મેળવ્યા હતા. ભારતીય પુરુષ ટીમે મેચ દરમિયાન ચાર વખત શ્રીલંકાને ઓલઆઉટ કર્યું હતું. આ ઉપરાંત ભારતે 30 રેડ પોઈન્ટ અને 14 ટેકલ પોઈન્ટ મેળવ્યા હતા.
શ્રીલંકાની ટીમ ભારતીય આક્રમણ સામે નિષ્ફળ
ફાઈનલમાં શ્રીલંકા તરફથી માત્ર મદુવંથા જ એવો ખેલાડી હતો, જેણે પાંચથી વધુ પોઈન્ટ મેળવ્યા હતા. શ્રીલંકાની ટીમ આક્રમણમાં સંઘર્ષ કરતી જોવા મળી હતી. ટીમ માત્ર 11 રેડ પોઈન્ટ અને નવ ટેકલ પોઇન્ટ મેળવી શકી હતી.
આ રીતે ભારતીય પુરુષ અને મહિલા બંને ટીમોએ શાનદાર રમતનું પ્રદર્શન કરીને કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. બંને ટીમોએ સમગ્ર ટૂર્નામેન્ટમાં એક પણ હારનો સામનો કર્યા વિના ચેમ્પિયન બનીને ભારતીય કબડ્ડી માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી હતી.








