મુખ્ય સામગ્રી પર જાઓ

SA vs AUS / કેપટાઉન ટેસ્ટમાં હાર બાદ પેટ કમિન્સે આપ્યું મોટું નિવેદન, બેટ્સમેનો પર ફોડ્યું હારનું ઠીકરું

SA vs AUS / કેપટાઉન ટેસ્ટમાં હાર બાદ પેટ કમિન્સે આપ્યું મોટું નિવેદન, બેટ્સમેનો પર ફોડ્યું હારનું ઠીકરું
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

શનિવારે એક શાનદાર ટેસ્ટ સિરીઝનો અંત આવ્યો, જેમાં સાઉથઆફ્રિકાએ કેપટાઉનમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 176 રનથી હરાવીને સિરીઝ 2-1થી જીતી લીધી. પાંચમા દિવસની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 288 રનની જરૂર હતી. પિચની સ્થિતિ એટલી ખરાબ ન હોવાથી મહેમાન ટીમ પાસે જીતવાની તક હતી. જોકે, બેટિંગના અત્યંત ખરાબ પ્રદર્શનને કારણે પેટ કમિન્સની ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ. કાગિસો રબાડાએ શરૂઆતની કેટલીક ઓવરમાં જ ઓસ્ટ્રેલિયાના ટોપ ઓર્ડરના બેટ્સમેનોને આઉટ કરી દીધા. ત્યારબાદ સ્પિનર સિમોન હાર્મરે બાકીની સાતમાંથી છ વિકેટ લઈને પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી. પરિણામે ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

મેચ બાદની પ્રેસ કોન્ફરન્સમાં કમિન્સે સ્વીકાર્યું કે પાંચમા દિવસની પિચ પર બેટિંગ કરવી સરળ નહતી, પરંતુ તેણે એમ પણ કહ્યું કે બેટ્સમેનોએ ટીમને નિરાશ કરી છે. તેણે કહ્યું, "કેટલાક નિર્ણયો ખરેખર ખરાબ હતા. હું જાણું છું કે પાંચમા દિવસની પિચ હતી, પરંતુ મને નથી લાગતું કે પરિસ્થિતિ એટલી મુશ્કેલ હતી. ત્યાં રન બનાવી શકાય તેમ હતા. બેટ્સમેનોને ઘણા બોલ રમવાની તક મળી હતી, પરંતુ કેટલાક એવા નિર્ણયો હતા, જેને ખેલાડીઓ હવે બદલવા માગશે."

જાહેરાત

તેણે વધુમાં કહ્યું, "શરૂઆતની એક-બે ઓવરમાં જ અમારી સ્થિતિ બગડી ગઈ. કદાચ અમે જરૂર કરતાં વધુ ઉતાવળમાં રન ચેઝ કરવા લાગ્યા હતા, જ્યારે શરૂઆતમાં અમારે દિવસની પરિસ્થિતિને સમજીને રમવું જોઈતું હતું. અમારે આ બાબતમાં સુધારો કરવો પડશે. આવું અમારી સાથે અગાઉ પણ ઘણી વખત બન્યું છે. અમને લાગતું હતું કે આ ટાર્ગેટ ચેઝ કરવો શક્ય હતો."

કમિન્સે સ્વીકાર્યું કે ઓસ્ટ્રેલિયાની ટીમ હાલમાં જે રીતે રમી રહી છે, તેના કરતાં તે વધુ સારું પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે. તેણે કહ્યું, "મને લાગે છે કે અમે અત્યારે જે રીતે રમી રહ્યા છીએ, તેના કરતાં વધુ સારી ટીમ છીએ. અમારે કેટલીક બાબતોમાં સ્પષ્ટ સુધારો કરવાની જરૂર છે."

બોલિંગ લેવાનો નિર્ણય ખોટો સાબિત થયો?

આ મેચમાં પેટ કમિન્સે ટોસ જીતીને સાઉથ આફ્રિકાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. કમિન્સે સ્વીકાર્યું કે કદાચ તેનો નિર્ણય ખોટો સાબિત થયો હતો, પરંતુ તેણે આ નિર્ણય પાછળનું કારણ પણ સમજાવ્યું. તેને આશા હતી કે પ્રથમ દિવસે પિચ બોલર્સને વધુ મદદ કરશે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ તેની અપેક્ષા કરતાં અલગ હતી.

કમિન્સે કહ્યું, "અમને લાગ્યું હતું કે પ્રથમ દિવસે પિચ બોલર્સને થોડી વધુ મદદ કરશે, પરંતુ એવું થયું નહીં. જોકે, ટોસ જીતતી વખતે તમે એવું વિચારીને બોલિંગ પસંદ નથી કરતા કે તમે સામેની ટીમને 100 કે 200 રનમાં ઓલઆઉટ કરી દેશો."

તેણે વધુમાં કહ્યું, "અમને ખબર હતી કે આ મેચમાં ઘણા રન બની શકે છે, પરંતુ અમને લાગ્યું હતું કે અમે પ્રથમ દિવસે જ 10 વિકેટ લઈ શકીશું. જો એવું થયું હોત, તો અમે મેચમાં ઘણી સારી સ્થિતિમાં હોત. તમે હંમેશાં વિચારો છો કે જો ફરી તક મળે તો તમે શું અલગ કરી શકો અને પરિસ્થિતિ કેવી રીતે બદલાઈ હોત. પરંતુ વાસ્તવિકતામાં તમને ભૂતકાળમાં જઈને નિર્ણય બદલવાની તક નથી મળતી."

ઓસ્ટ્રેલિયાની હારનું મુખ્ય કારણ નબળી બેટિંગ

ઓસ્ટ્રેલિયાની આ હારનું મુખ્ય કારણ તેની બોલિંગ નહીં, પરંતુ બેટિંગ હતી, ખાસ કરીને બીજી ઈનિંગમાં બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન. મેચના પ્રથમ દિવસે શરૂઆતમાં મુશ્કેલીનો સામનો કરવા છતાં ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાની ટીમને 329 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 100 રનની લીડ પણ મેળવી હતી. જોકે, બીજી ઈનિંગમાં બેટ્સમેનોના નબળા પ્રદર્શનને કારણે ટીમે અગાઉ મેળવેલી લીડનો ફાયદો ગુમાવી દીધો.

માર્નસ લાબુશેન ફરી એકવાર બેટિંગમાં નિષ્ફળ રહ્યો. આ પહેલા પણ સિરીઝ દરમિયાન નિક મેડિન્સન અને બ્યુ વેબસ્ટરની પસંદગી તથા તેમના પ્રદર્શન અંગે સવાલો ઉઠ્યા હતા. હવે સિરીઝમાં હાર બાદ ટીમમાં ફેરફાર કરવાની માંગ ઉઠી રહી છે.

આ અંગે કમિન્સે કહ્યું, "સિરીઝ હાર્યા બાદ આવા સવાલો હંમેશાં ઊભા થાય છે અને કદાચ એ યોગ્ય પણ છે. જો અમે સતત બે મેચ હારીએ, તો ટીમમાં ફેરફાર અંગે સવાલો પૂછવા વાજબી છે. અમે પણ આંતરિક રીતે આ મુદ્દાઓ પર ચર્ચા કરીશું."

તેણે અંતમાં કહ્યું, "અમે એક સારી ટીમ છીએ, પરંતુ જો અમારે ફરીથી વિશ્વની નંબર-1 ટીમ બનવું હોય અને અમે જે સ્થાન પર પહોંચવા માંગીએ છીએ ત્યાં પહોંચવું હોય, તો અમારે અમારા પ્રદર્શનમાં વધુ સુધારો કરવો પડશે. કદાચ અમારે રમવાની શૈલીમાં ફેરફાર કરવો પડે અથવા કેટલાક કિસ્સાઓમાં ખેલાડીઓ બદલવા પડે. અમને થોડા અઠવાડિયાનો સમય આપો, ત્યારબાદ અમે નક્કી કરીશું કે આગળ શું કરવું."

આ સમાચાર શેર કરો

જાહેરાત