દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં મોબાઈલ ચોરતી દિલ્હી ગેંગનો પર્દાફાશ, ₹4.30 લાખના 11 ફોન સાથે બે ઝડપાયા
અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં કોન્સર્ટની ભીડનો લીધો હતો લાભ, પાઘડી અને પંજાબી ડ્રેસ પહેરી ચોરીને આપતા હતા અંજામ
અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં યોજાયેલા જાણીતા પંજાબી ગાયક દિલજીત દોસાંઝના કોન્સર્ટ દરમિયાન મોબાઈલ ચોરી કરતી દિલ્હી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. અમદાવાદ LCB ઝોન-2 અને મોટેરા પોલીસની કાર્યવાહી દરમિયાન દિલ્હીથી આવેલા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી iPhone અને Samsung સહિત અંદાજે ₹4.30 લાખની કિંમતના 11 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.
પોલીસે મોહમ્મદ અસદ મોહમ્મદ ગુલજાર (ઉંમર 36 વર્ષ) અને અશરફ હુસેન નુર હુસેન ઈદ્રીશી (ઉંમર 24 વર્ષ)ની ધરપકડ કરી છે. બંને આરોપીઓ ગોલ્ડન પાસ લઈને કોન્સર્ટમાં પહોંચ્યા હતા અને મોટી ભીડનો લાભ લઈને મોંઘા મોબાઈલ ફોનની ચોરી કરતા હોવાનો પોલીસનો આરોપ છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચાર શખ્સો ખાસ મોબાઈલ ચોરી કરવાના ઇરાદે દિલ્હીથી કેબ મારફતે અમદાવાદ આવ્યા હતા. પોલીસની શંકા ન જાય તે માટે તેઓએ માથા પર પાઘડી અને પંજાબી પરંપરાગત ડ્રેસ પહેર્યો હતો. કોન્સર્ટ દરમિયાન લાઇટ બંધ થતી એટલે કે બ્લેકઆઉટના સમયે તેઓ મોબાઈલ ચોરીને અંજામ આપતા હતા.
આરોપીઓની પૂછપરછમાં વાલીદ નામના શખ્સનું નામ સામે આવ્યું છે. વાલીદે અન્ય એક સાથી સાથે મળીને મોબાઈલ ચોરીનો પ્લાન બનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ચારેય આરોપીઓ દિલ્હીની એક હોટલમાં મળ્યા હતા અને ત્યારબાદ અમદાવાદ આવ્યા હતા.
મહત્વની વાત એ છે કે દિલજીત દોસાંઝના કોન્સર્ટ દરમિયાન મોબાઈલ ચોરી અંગે મોટેરા પોલીસ સ્ટેશનમાં અંદાજે 70 અરજીઓ મળી હતી. ચોરાયેલા મોબાઈલ ફોનને પોલીસે સર્વેલન્સ પર મૂક્યા છે. પોલીસે જણાવ્યું કે કોન્સર્ટમાં પ્રેક્ષકોને પોતાના કિંમતી સામાનની તકેદારી રાખવા માટે માઇક દ્વારા વારંવાર સૂચના આપવામાં આવી હતી.
પકડાયેલા આરોપીઓમાંથી મોહમ્મદ અસદે એન્જિનિયરિંગ સુધી અભ્યાસ કર્યો છે, જ્યારે અશરફ હુસેને ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે.હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોબાઈલ ચોરીના કથિત માસ્ટરમાઈન્ડ વાલીદ સહિત ફરાર અન્ય બે શખ્સોને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે.















