ડુંગળી વેચવા ઉમટ્યા ખેડૂતો, રાજકોટ યાર્ડ બહાર 5 કિમી લાંબી કતાર; રાતથી રાહ જોતા ખેડૂતો પરેશાન

ડુંગળી વેચવા ઉમટ્યા ખેડૂતો, રાજકોટ યાર્ડ બહાર 5 કિમી લાંબી કતાર; રાતથી રાહ જોતા ખેડૂતો પરેશાન
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે બુધવારે (25 નવેમ્બર) ડુંગળીની બમ્પર આવક થઈ છે. સૌરાષ્ટ્રભરમાંથી ડુંગળી ભરેલા ટ્રક અને ટ્રેક્ટર આવતાં યાર્ડ બહાર રોડ પર સવારથી જ અંદાજે 5 કિલોમીટર જેટલી લાંબી કતાર લાગી ગઈ હતી. જેને કારણે ખેડૂતો અને વાહન ચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.  

યાર્ડમાં જગ્યા ન હોવાથી રોડ પર અટવાયા ખેડૂતો

જાહેરાત

આજે વહેલી સવારથી જ ગોંડલ, જેતપુર, જામકંડોરણા, ઉપલેટા, ધોરાજી સહિતના વિસ્તારોમાંથી ખેડૂતો ડુંગળી ભરીને યાર્ડમાં આવી પહોંચ્યા હતા. યાર્ડમાં જગ્યા ન હોવાને કારણે અનેક વાહનો રોડ પર જ અટવાયાં હતાં, જેના કારણે રોડ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને વાહનચાલકોને પણ ભારે હાલાકી પડી હતી.

તડકામાં બેસી રહેવું પડે છે, પાણીની પણ વ્યવસ્થા નથી : ખેડૂત

ખેડૂતોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીના ભાવમાં થોડો સુધારો આવતાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં ડુંગળી વેચવા માટે લાવવાનું શરૂ કર્યું છે. એક ખેડૂતે જણાવ્યું હતું કે, અમે રાત્રે 2 વાગ્યાથી લાઇનમાં ઊભા છીએ, હજુ નંબર નથી આવ્યો. તડકામાં બેસી રહેવું પડે છે અને પાણીની પણ વ્યવસ્થા નથી.

હરાજીનું કામ ઝડપથી ચાલી રહ્યું છે: યાર્ડ વેપારી

બીજી બાજુ માર્કેટ યાર્ડના વેપારીઓનું કહેવું છે કે, આવક વધતાં હરાજીનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, પરંતુ વાહનોની સંખ્યા વધારે હોવાથી સમય લાગી રહ્યો છે. આજે ડુંગળીના ભાવ પ્રતિ 20 કિલોએ રૂ. 300 થી રૂ. 700 સુધી બોલાયા હતા. સારા માલના સારા ભાવ મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. હાલ યાર્ડ બહાર ટ્રાફિક નિયંત્રણ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત