મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

ડુંગળીના ભાવ એક વર્ષમાં બમણા! ખાંડ અને ખાદ્યતેલ પણ મોંઘાં, અચાનક કેમ વધી રહ્યા છે જીવનજરૂરી વસ્તુઓના ભાવ?

ડુંગળીના ભાવ એક વર્ષમાં બમણા! ખાંડ અને ખાદ્યતેલ પણ મોંઘાં, અચાનક કેમ વધી રહ્યા છે જીવનજરૂરી વસ્તુઓના ભાવ?
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દેશમાં મોંઘવારીનો માર હવે સામાન્ય પરિવારોના રસોડા સુધી પહોંચી ગયો છે. ડુંગળીના ભાવમાં એક વર્ષમાં 100 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે, જ્યારે ખાંડ, ગોળ, ખાદ્યતેલ અને ચોખા જેવી રોજિંદા વપરાશની વસ્તુઓ પણ મોંઘી થઈ છે. સપ્ટેમ્બર 2026માં ખાદ્ય મોંઘવારીનો દર વધીને 7.74 ટકા પર પહોંચ્યો હતો. ખાસ વાત એ છે કે આ ભાવવધારાની અસર શહેરોની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારોમાં વધુ જોવા મળી રહી છે. ત્યારે સવાલ એ છે કે ડુંગળી, ખાંડ અને તેલના ભાવમાં એકસાથે વધારો થવા પાછળ કયાં કારણો જવાબદાર છે?

ડુંગળીના ભાવમાં 108 ટકાથી વધુનો ઉછાળો

ડુંગળીના ભાવમાં થયેલો વધારો સૌથી વધુ ચિંતાજનક છે. સપ્ટેમ્બર 2026માં ડુંગળીના ભાવમાં વાર્ષિક ધોરણે આશરે 108 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. એટલે કે ગયા વર્ષની સરખામણીએ ડુંગળી ખરીદવા માટે ગ્રાહકોએ લગભગ બમણી રકમ ખર્ચવી પડી રહી છે. આ ભાવવધારા પાછળ મુખ્ય કારણ ડુંગળીના પુરવઠા (Supply)માં ઘટાડો છે. અગાઉની રવિ સિઝનના પાકનો સંગ્રહ (Stock) હવે ઘટી રહ્યો છે. બીજી તરફ, નવી ખરીફ સિઝનની ડુંગળી બજારમાં આવવામાં લગભગ એક મહિનાનો વિલંબ થયો છે. પરિણામે બજારમાં માંગની સરખામણીએ આવક ઓછી રહેતાં ભાવમાં વધારો થયો છે. 

ખાંડના ભાવ વધવા પાછળ વરસાદ અને પાકના રોગની અસર

ડુંગળીની સાથે ખાંડના ભાવમાં પણ મોટો વધારો નોંધાયો છે. સપ્ટેમ્બરમાં ખાંડના ભાવમાં વાર્ષિક ધોરણે આશરે 30 ટકાનો વધારો થયો હતો. ખાંડના ભાવ વધવા પાછળ શેરડીના ઓછા ઉત્પાદનની આશંકા મહત્વનું કારણ છે. વધુ વરસાદને કારણે શેરડીના ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ હતી. આ ઉપરાંત શેરડીના પાકમાં રેડ રોટ (Red Rot) અને ટોપ બોરર (Top Borer) જેવા રોગોની અસર પણ જોવા મળી હતી. તેના કારણે ખાંડના ઉત્પાદનના અંદાજમાં ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, અગાઉના અંદાજ મુજબ ખાંડનું ઉત્પાદન આશરે 343 લાખ મેટ્રિક ટન થવાની ધારણા હતી, પરંતુ હવે તે ઘટીને લગભગ 306 લાખ મેટ્રિક ટન રહેવાનો અંદાજ છે. તહેવારોની સિઝનમાં માંગ વધવાથી અને આંતરરાષ્ટ્રીય બજારમાં પુરવઠો મર્યાદિત રહેવાને કારણે પણ ભાવ પર દબાણ વધ્યું છે. 

ખાદ્યતેલ પણ મોંઘું, રસોડાનું બજેટ ખોરવાયું

ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થયો છે. રિફાઇન્ડ તેલના ભાવમાં વાર્ષિક ધોરણે આશરે 15 ટકા અને મગફળીના તેલમાં 14 ટકા સુધીનો વધારો નોંધાયો છે. સૂર્યમુખી તેલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. ખાદ્યતેલના ભાવ પર સ્થાનિક ઉત્પાદન ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિની પણ અસર પડે છે. ભારત મોટા પ્રમાણમાં ખાદ્યતેલની આયાત (Import) કરે છે. તેથી વૈશ્વિક બજારમાં ભાવ વધે, આયાત ખર્ચ વધે અથવા ચલણના મૂલ્યમાં ફેરફાર થાય તો તેની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળે છે. પરિણામે ઘરેલુ વપરાશ માટે તેલ ખરીદવાનો ખર્ચ વધી રહ્યો છે. 

મોંઘવારીનો માર ગામડાંમાં વધુ

ખાદ્ય વસ્તુઓના ભાવ વધવાથી સમગ્ર દેશમાં મોંઘવારી વધી છે, પરંતુ તેની અસર ગ્રામ્ય વિસ્તારોમાં વધુ જોવા મળી છે. સપ્ટેમ્બર 2026માં છૂટક મોંઘવારી (Retail Inflation)નો દર વધીને 5.54 ટકા થયો હતો, જે ઓગસ્ટમાં 4.83 ટકા હતો. જ્યારે ખાદ્ય મોંઘવારીનો દર 7.74 ટકા નોંધાયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં છૂટક મોંઘવારીનો દર 6.08 ટકા રહ્યો હતો, જ્યારે શહેરી વિસ્તારોમાં તે 4.88 ટકા હતો. ખાદ્ય મોંઘવારી પણ ગામડાંમાં 8.06 ટકા અને શહેરોમાં 7.18 ટકા નોંધાઈ હતી. રોજિંદી જરૂરિયાતોની વસ્તુઓ પર વધુ ખર્ચ થવાથી ગ્રામ્ય પરિવારોના બજેટ પર વધારાનું દબાણ ઊભું થયું છે. 

શું આગામી દિવસોમાં ભાવ ઘટશે?

ડુંગળીની નવી ખરીફ આવક બજારમાં વધશે તો તેના ભાવમાં રાહત મળવાની શક્યતા છે. ખાંડના મામલે નવી સિઝનની શેરડીનું પિલાણ (Crushing Season) શરૂ થયા બાદ ઉત્પાદન અને પુરવઠાની સ્થિતિ સ્પષ્ટ થશે. જોકે, વરસાદની અસર, પાકની સ્થિતિ, તહેવારોની માંગ અને આંતરરાષ્ટ્રીય બજારના ભાવ આગામી દિવસોમાં મહત્વની ભૂમિકા ભજવશે. હાલની સ્થિતિમાં ડુંગળી, ખાંડ અને ખાદ્યતેલના ભાવમાં થયેલો વધારો સામાન્ય પરિવારોના માસિક બજેટને અસર કરી રહ્યો છે. જો પુરવઠો ઝડપથી નહીં વધે તો રસોડાના ખર્ચમાં રાહત મળવામાં સમય લાગી શકે છે.

આ સમાચાર શેર કરો