યુક્રેનનો જડબાતોડ જવાબ: રશિયાના સવાસ્લેયકા એરબેઝ પર હુમલો, 5 લડાકુ વિમાનોને નુકસાન પહોંચાડ્યાનો દાવો

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હુમલાઓ વધુ તેજ બન્યા છે. યુક્રેને દાવો કર્યો છે કે તેની સેનાએ રશિયાના એક મોટા સૈન્ય એરબેઝ પર હુમલો કરીને પાંચ લડાકુ વિમાનોને નુકસાન પહોંચાડ્યું છે. આ હુમલો મોસ્કોની પૂર્વમાં નિઝની નોવગોરોડ વિસ્તારમાં આવેલા સવાસ્લેયકા એરબેઝ પર કરવામાં આવ્યો હતો.
યુક્રેનના જણાવ્યા મુજબ, આ હુમલામાં ત્રણ MiG-31 અને બે Su-34 વિમાનોને નિશાન બનાવવામાં આવ્યા છે, જેમાંથી કેટલાક વિમાનોનો ઉપયોગ રશિયા યુદ્ધમાં કરે છે. બીજી તરફ, રશિયાએ પણ યુક્રેનની રાજધાની કીવ પર બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો છે, જેમાં એક શોપિંગ સેન્ટર અને અન્ય ઇમારતોને ભારે નુકસાન થયું છે.
રશિયાના એરબેઝ પર કેવી રીતે થયો હુમલો?
યુક્રેનના જનરલ સ્ટાફે બુધવારે જણાવ્યું હતું કે, 'અમારી સેનાએ લાંબા અંતર સુધી પ્રહાર કરતા હથિયારોની મદદથી સવાસ્લેયકા એરબેઝને નિશાન બનાવ્યું હતું.' યુક્રેનિયન અધિકારીઓના મતે, હુમલામાં ત્રણ MiG-31 અને બે Su-34 ફાઇટર જેટને નુકસાન થવાથી આ વિમાનોને હાલ પૂરતા ઓપરેશનમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે MiG-31નો ઉપયોગ હાઇપરસોનિક મિસાઇલ છોડવા માટે થાય છે, જ્યારે Su-34 ફાઇટર-બોમ્બર વિમાન છે. યુક્રેનનું કહેવું છે કે આ હુમલાનો ઉદ્દેશ્ય રશિયાની સૈન્ય ક્ષમતાને નબળી પાડવાનો છે. જોકે, રશિયાએ હજુ સુધી આ હુમલા અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી, જેના કારણે પાંચેય વિમાનોને થયેલા નુકસાનની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.
કીવ પર રશિયાનો બેલિસ્ટિક મિસાઇલ હુમલો; ઇમારતોને નુકસાન
એક તરફ યુક્રેન રશિયાના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાનો દાવો કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ રશિયાએ પણ 25 નવેમ્બરની મોડી રાત્રે યુક્રેનની રાજધાની કીવ પર બેલિસ્ટિક મિસાઇલોતી હુમલો કર્યો હતો.
કીવના મેયર વિતાલી ક્લિચકોના જણાવ્યા મુજબ, મિસાઇલો શહેરના એક શોપિંગ સેન્ટર અને અન્ય બે ઇમારતો સાથે ટકરાઈ હતી. હુમલા બાદ શહેરમાં જોરદાર ધડાકાઓ સંભળાયા હતા અને મેયરે લોકોને સુરક્ષિત સ્થળો તથા બંકરોમાં રહેવાની સલાહ આપી હતી. આ હુમલામાં ત્રણથી ચાર લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાંથી એકની હાલત ગંભીર છે. મિસાઇલ હુમલામાં નીપર નદીના પૂર્વ ભાગમાં આવેલી ઇમારતો અને ઔદ્યોગિક વિસ્તારની એક ઇમારતને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.
યુક્રેનને અમેરિકા તરફથી મળશે F-16 વિમાનોના ઉપકરણો
આ તણાવ વચ્ચે અમેરિકાએ યુક્રેનને F-16 લડાકુ વિમાનોના સમારકામ અને જાળવણી સાથે જોડાયેલા ઉપકરણો તથા સેવાઓ વેચવાની સંભવિત મંજૂરી આપી છે. અમેરિકન વિદેશ વિભાગ મુજબ, આ સોદાની અંદાજિત કિંમત 621.9 મિલિયન ડૉલર છે. આ મંજૂરીથી યુક્રેનને પોતાના F-16 વિમાનોને યુદ્ધ માટે તૈયાર રાખવામાં મદદ મળી શકે છે, જોકે હાલ તેને સંભવિત વેચાણની મંજૂરી તરીકે જ જોવામાં આવી રહી છે. આ દરમિયાન યુક્રેનના સંરક્ષણ મંત્રી યેવહેન ખમારાએ જણાવ્યું હતું કે તેમની સેનાએ છેલ્લા કેટલાક મહિનાઓમાં રશિયાના 16 બેલિસ્ટિક મિસાઇલ લોન્ચરોને નિશાન બનાવીને નષ્ટ કર્યા છે.








