ટેક જગતમાં મોટો ભૂકંપ! ફરી એકવાર CEO બનતા જ જેન્સન હુઆંગનો મોટો નિર્ણય, સિંગાપોર-મલેશિયા સહિત 4 દેશોમાં Nvidia ચિપની સપ્લાય રોકી!

વિશ્વની અગ્રણી અમેરિકન ચિપ નિર્માતા કંપની Nvidia (એનવીડિયા) એ દક્ષિણ-પૂર્વ એશિયાના ચાર દેશોમાં પોતાના AI સર્વરની સપ્લાય તાત્કાલિક અસરથી રોકી દીધી છે. આ ચાર દેશોમાં મલેશિયા, સિંગાપોર, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયાનો સમાવેશ થાય છે. કંપનીના CEO જેન્સન હુઆંગના ફરીથી પદ સંભાળ્યા બાદ આ એક અત્યંત મોટો અને ચોંકાવનારો નિર્ણય માનવામાં આવી રહ્યો છે.
મેન્યુફેક્ચરિંગ પાર્ટનર્સને અપાયા કડક નિર્દેશ
એક અહેવાલ મુજબ, Nvidia એ પોતાના મુખ્ય મેન્યુફેક્ચરિંગ પાર્ટનર્સ Dell અને Supermicro ને આ ચારેય દેશોમાં સર્વર મોકલવાનું બંધ કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે. આ કંપનીઓ Nvidia ની ચિપ્સને સર્વર રેક્સમાં એસેમ્બલ કરીને સપ્લાય કરે છે. તેમણે આ દેશોના ખરીદદારોને જાણ કરી દીધી છે કે હાલ પૂરતા તેમના ઓર્ડર શિપ કરવામાં આવશે નહીં.
શા માટે લેવાયો આ નિર્ણય?
અમેરિકન સરકાર દ્વારા તાજેતરમાં જ લાગુ કરવામાં આવેલા નવા નિકાસ નિયંત્રણો બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. અમેરિકાને આશંકા છે કે ચીનની ટેક કંપનીઓ સિંગાપોર, મલેશિયા અને થાઈલેન્ડ જેવા દેશોના ડેટા સેન્ટર્સ અને ક્લાઉડ પ્રોવાઈડર્સ દ્વારા પ્રતિબંધિત એડવાન્સ AI ચિપ્સનો ઉપયોગ કરી રહી છે. આ કથિત 'ચિપ સ્મગલિંગ' અને બાયપાસ રૂટને બંધ કરવા માટે અમેરિકાએ હવે આ દેશોમાં ચિપ મોકલવા માટે ખાસ લાયસન્સ ફરજિયાત બનાવ્યું છે.
ટેક સપ્લાય ચેઈન પર મોટી અસર
હાલ એ સ્પષ્ટ નથી કે આ પ્રતિબંધ કામચલાઉ છે કે લાંબા સમય સુધી ચાલશે. જ્યાં સુધી Nvidia અને તેના પાર્ટનર્સ અમેરિકાના નવા નિયમો અને લાયસન્સ પ્રક્રિયાને સમજીને તેનું પાલન ન કરે, ત્યાં સુધી સપ્લાય અટકેલી રહેશે. આ નિર્ણયથી દક્ષિણ-પૂર્વ એશિયાના ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સ અને ટેક સપ્લાય ચેઈનમાં મોટી અફરાતફરી મચી ગઈ છે.










