હથકડી પહેરીને જ પાછા ફરી શકે': ૧૬ ડિસેમ્બરે શેખ હસીનાના બાંગ્લાદેશ પરત ફરવાના કથિત પ્લાન પર ઢાકાનો આકરો જવાબ

હાથકડી પહેરીને જ પાછા ફરી શકે': ૧૬ ડિસેમ્બરે શેખ હસીનાના બાંગ્લાદેશ પરત ફરવાના કથિત પ્લાન પર ઢાકાનો આકરો જવાબ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના દેશના વિજય દિવસ એટલે કે ૧૬ ડિસેમ્બરના રોજ સ્વદેશ પરત ફરી શકે છે તેવા અહેવાલોએ ઢાકાના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. આ અટકળો અને સંભવિત અશાંતિની આશંકાને પગલે બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા અને દેખરેખ અત્યંત કડક કરી દેવામાં આવી છે. 

સરહદ પર બીજીબીની ચાંપતી નજર અને નેતાઓની હલચલ

અહેવાલો મુજબ, બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી) દ્વારા સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. સ્થાનિક મીડિયા અનુસાર, BGB ના વડા મેજર જનરલ મોહમ્મદ અશરફુઝ્ઝમાન સિદ્દીકીએ રવિવારે ત્રિપુરાને અડીને આવેલા બ્રાહ્મણબારિયા જિલ્લાના સરહદી વિસ્તારની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે જવાનો અને સ્થાનિક નાગરિકોને કોઈપણ 'ગેરકાયદેસર અને વિવાદાસ્પદ' વ્યક્તિના પ્રવેશ સામે સતર્ક રહેવા જણાવ્યું છે. બીજી તરફ, એવી અટકળો પણ તેજ બની છે કે હસીના ત્રિપુરા અથવા બનગાંવની પેટ્રાપોલ સરહદ મારફતે પ્રવેશ કરી શકે છે. અવામી લીગના ટોચના નેતાઓ જહાંગીર કબીર નાનક, મોફઝ્ઝલ હુસૈન માયા, બહાઉદ્દીન નસીમ અને પૂર્વ સાંસદ સલાઉદ્દીન નસીમે પેટ્રાપોલ-બેનાપોલ સરહદની મુલાકાત લીધી હતી. માનવામાં આવે છે કે તેઓ હસીનાના પરત ફરવાના સંભવિત રૂટનું વિશ્લેષણ કરવા ત્યાં ગયા હતા. 

જાહેરાત

હસીનાની સરકારી વિમાનની માંગ અને સરકારનો કડક જવાબ

 અહેવાલ મુજબ, શેખ હસીનાના પ્રવક્તા સૈયદ મોઝમ્મલ અલીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ૫ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ હસીનાને બાંગ્લાદેશના વિમાનમાં ભારત લાવવામાં આવ્યા હતા, તેથી હવે વર્તમાન સરકારે ૧૬ ડિસેમ્બરે વિજય દિવસ નિમિત્તે તેમને દિલ્હીથી ઢાકા પરત લાવવા માટે રાષ્ટ્રીય વિમાન કંપની 'બિમાન બાંગ્લાદેશ એરલાઇન્સ'ની વ્યવસ્થા કરવી જોઈએ. જોકે, બાંગ્લાદેશના વિદેશ રાજ્ય મંત્રી હુમાયુ કબીરે આ માંગને ફગાવી દેતા અત્યંત આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે: "વાસ્તવિકતા એ છે કે કોઈપણ આતંકવાદીને પ્રત્યાર્પણ  વગર પરત ફરવાની મંજૂરી આપવામાં આવશે નહીં."
•    "કોઈની ઈચ્છા હોઈ શકે, પરંતુ ઊંઘમાં સપના જોવા અલગ વાત છે—એવું સપનું જોવું કે કોઈ ચાલીને કે વિમાનમાં બેસીને બાંગ્લાદેશ આવી જશે."
•    કબીરે વધુમાં ઉમેર્યું કે હસીના કોઈ સામાન્ય કોમર્શિયલ મુસાફર નથી, અને જો તેઓ પરત ફરવા માંગતા હોય તો પ્રત્યાર્પણ હેઠળ માત્ર હાથકડી પહેરીને અથવા કડક નજરકેદ હેઠળ જ પાછા આવી શકે છે. 

રાજકીય ગતિવિધિઓ તેજ

આ દરમિયાન, બાંગ્લાદેશના વર્તમાન વડાપ્રધાન તારિક રહેમાન રાષ્ટ્રીય એકતા સ્થાપિત કરવા માટે આગામી દિવસોમાં જમાત-એ-ઇસ્લામીના વડા શફીકુર રહેમાન અને જાતીય નાગરિક પાર્ટી (એનસીપી) ના વડા નાહિદ ઇસ્લામ સહિત વિપક્ષી દળો સાથે બેઠક યોજે તેવી શક્યતા છે. સરકારે વિદેશી રાજદ્વારીઓને પણ દેશની વર્તમાન રાજકીય સ્થિતિથી વાકેફ કર્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત