2027ની ચૂંટણીમાં સીટ શેરિંગનો ફોર્મ્યુલા નક્કી કરવા સમાજવાદી પાર્ટીએ તૈયાર કરી '5+2'ની ટીમ, જાણો અખિલેશ યાદવે કઈ શરત મૂકી!

2027ની ચૂંટણીમાં સીટ શેરિંગનો ફોર્મ્યુલા નક્કી કરવા સમાજવાદી પાર્ટીએ તૈયાર કરી '5+2'ની ટીમ, જાણો અખિલેશ યાદવે કઈ શરત મૂકી!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2027ને લઈને રાજ્યના રાજકારણમાં ગરમાવો તેજ થઈ ગયો છે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને મેદાનમાં ઉતરવાની સંભાવનાઓ વચ્ચે સમાજવાદી પાર્ટી (SP) એ બેઠકોની વહેંચણી (સીટ શેરિંગ) અંગે વાતચીત કરવા માટે એક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી છે.

સમાજવાદી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, પ્રોફેસર રામગોપાલ યાદવની અધ્યક્ષતામાં '5+2' સભ્યોની ગઠબંધન કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીમાં પાર્ટીના 5 વરિષ્ઠ નેતાઓ ઉપરાંત 2 ડેટા એક્સપર્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી વિધાનસભા બેઠકોના સમીકરણોનું સચોટ વિશ્લેષણ કરી શકાય.

જાહેરાત

23-24 નવેમ્બરે થશે મહત્ત્વની બેઠક

આગામી 23 અને 24 નવેમ્બરના રોજ સમાજવાદી પાર્ટીના આ 5 નેતાઓ કોંગ્રેસ સાથે ગઠબંધન અને બેઠકોની વહેંચણી મુદ્દે ઔપચારિક વાતચીત કરશે. આ બેઠકમાં સીટ શેરિંગનો ફોર્મ્યુલા આગળ વધવાની પ્રબળ શક્યતા છે. નોંધનીય છે કે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં સપા પ્રમુખ અખિલેશ યાદવે ખુલાસો કર્યો હતો કે કોંગ્રેસે તેમની પાસે 181 બેઠકોની યાદી મોકલી છે. જોકે, અખિલેશ યાદવે સ્પષ્ટ કર્યું હતું કે કોઈપણ બેઠક બંનેમાંથી તે જ પાર્ટીને આપવામાં આવશે, જે સંબંધિત વિધાનસભા ક્ષેત્રમાં જીતવાની સૌથી મજબૂત સ્થિતિમાં હશે.

કોંગ્રેસે પણ તેજ કરી ચૂંટણી તૈયારીઓ

બીજી તરફ, કોંગ્રેસે પણ 2027ની ચૂંટણી માટે કમર કસી લીધી છે. તાજેતરમાં જ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નવી દિલ્હી ખાતે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રિયંકા ગાંધી, કે.સી. વેણુગોપાલ અને યુપી કોંગ્રેસ પ્રમુખ આરાધના મિશ્રા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા, જેમાં ચૂંટણીની રણનીતિ અને સંગઠનની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠક બાદ મલ્લિકાર્જુન ખડગેએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ઉત્તર પ્રદેશની જનતા હવે પરિવર્તન ઈચ્છે છે અને આગામી વિધાનસભા ચૂંટણી દેશના રાજકારણને એક નવી દિશા આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત