2027ની ચૂંટણી માટે કોંગ્રેસની તૈયારી તેજ: 5 રાજ્યોમાં સ્ક્રીનિંગ કમિટીની કરી રચના

2027ની ચૂંટણી માટે કોંગ્રેસની તૈયારી તેજ: 5 રાજ્યોમાં સ્ક્રીનિંગ કમિટીની કરી રચના
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

આગામી વર્ષ ૨૦૨૭ની શરૂઆતમાં યોજાનારી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ માટે કોંગ્રેસે સોમવારે ઉમેદવારોની પસંદગી કરવા માટે 'સ્ક્રીનિંગ કમિટી' ની રચના કરી છે. પાર્ટીએ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (એઆઇસીસી) ના રાષ્ટ્રીય ખજાનચી અજય માકનને ઉત્તરપ્રદેશની કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી સિરિવેલ્લા પ્રસાદને પંજાબની કમિટીના વડા બનાવવામાં આવ્યા છે. 

આ પાંચ રાજ્યોમાં ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરનો સમાવેશ થાય છે, જ્યાં ૨૦૨૭ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ કમિટીઓ સંબંધિત રાજ્યની ચૂંટણી સમિતિઓ દ્વારા મોકલવામાં આવેલા સંભવિત ઉમેદવારોના નામોની ચકાસણી કરશે, યાદી ટૂંકાવશે અને અંતિમ નિર્ણય માટે પાર્ટીની સેન્ટ્રલ ઈલેક્શન કમિટી (CEC) ને મોકલી આપશે. 

જાહેરાત

કમિટીઓની વિગતવાર રચના નીચે મુજબ છે:

 ઉત્તરપ્રદેશ: અજય માકન (અધ્યક્ષ) ઉપરાંત અસલમ શેખ અને બી.વી. શ્રીનિવાસનો સભ્યો તરીકે સમાવેશ કરાયો છે. નોંધનીય છે કે ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (SP) વચ્ચે ગઠબંધન છે, પરંતુ બેઠકોની વહેંચણી અંગે હજુ અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.

પંજાબ: સિરિવેલ્લા પ્રસાદની આગેવાની હેઠળની કમિટીમાં એઆઇસીસી સચિવો સચિન સાવંત અને નિવેદિથ અલ્વાને સભ્ય બનાવવામાં આવ્યા છે. 

 ઉત્તરાખંડ: દીપા દાસમુન્શીને અધ્યક્ષ બનાવાયા છે, જ્યારે અનિલ ચૌધરી અને ગુજરાતના નેતા પાલભાઈ આંબલિયાને સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. 

ગોવા અને મણિપુર: ગોવાની કમિટીના અધ્યક્ષ તરીકે કે.જે. જ્યોર્જ અને મણિપુરના અધ્યક્ષ તરીકે બી.એમ. સંદીપની નિમણૂક કરવામાં આવી છે. 

એઆઇસીસી મહાસચિવ કે.સી. વેણુગોપાલે આ નિમણૂકોની જાહેરાત કરતા જણાવ્યું હતું કે જે-તે રાજ્યોના પ્રભારી મહાસચિવો, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખો, વિધાનસભા પક્ષના નેતાઓ અને રાજ્યના પ્રભારીઓ સાથે જોડાયેલા એઆઇસીસી સચિવો આ કમિટીઓમાં હોદ્દાની રૂએ (એક્સ ઓફિશિયો) સભ્ય રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત