"ED ના કેસ ચાલી રહ્યા હોવાથી તેઓ પાછા નહીં ફરે..." – કેપ્ટન અમરિંદર સિંહની કોંગ્રેસમાં વાપસીની અટકળો પર ચરણજીત સિંહ ચન્નીનો મોટો કટાક્ષ!

"ED ના કેસ ચાલી રહ્યા હોવાથી તેઓ પાછા નહીં ફરે..." – કેપ્ટન અમરિંદર સિંહની કોંગ્રેસમાં વાપસીની અટકળો પર ચરણજીત સિંહ ચન્નીનો મોટો કટાક્ષ!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

આગામી ૨૦૨૭ની પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના રાજકારણમાં નવા સમીકરણોના સંકેત મળી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સોમવારે સોનિયા ગાંધીના સંસ્મરણો પર આધારિત પુસ્તક *'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ'*ના વિમોચન સમારોહમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે પહેલી હરોળમાં જોવા મળતા તેમની ઘરવાપસીની અટકળો તેજ બની હતી. જોકે, કોંગ્રેસના નેતા ચરણજીત સિંહ ચન્નીએ આ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા કટાક્ષ કર્યો છે કે અમરિંદર સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ઘણા કેસ ચાલી રહ્યા હોવાથી તેઓ કોંગ્રેસમાં પાછા ફરે તેવી કોઈ શક્યતા નથી.

પત્રકારો સાથેની વાતચીતમાં ચન્નીએ જણાવ્યું હતું કે, "મને નથી લાગતું કે કેપ્ટન સાહેબ હવે કોંગ્રેસમાં પાછા ફરશે, કારણ કે તેમની સામે EDના ઘણા કેસ પેન્ડિંગ છે. તેમ છતાં, પુસ્તક વિમોચનમાં હાજરી આપીને તેમણે પાર્ટી પ્રત્યેનો પોતાનો જૂનો સ્નેહ દર્શાવ્યો છે, જે બદલ હું તેમનો આભાર માનું છું."

જાહેરાત

કેપ્ટનની સ્પષ્ટતા અને ભાજપનો બચાવ

કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ જ્યારે પત્રકારોએ અમરિંદર સિંહને કોંગ્રેસમાં પરત ફરવા અંગે સવાલ કર્યો ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં "ના" પાડી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, "હું અહીં માત્ર એક સામાજિક કાર્યક્રમમાં આવ્યો છું, તેમાં રાજકારણ ક્યાંથી આવ્યું? અગાઉ સોનિયા ગાંધી પણ મારા ત્રણ પુસ્તકોના વિમોચનમાં હાજર રહ્યા હતા." બીજી તરફ, ભાજપના નેતા રાણા ગુરમીત સિંહ સોઢીએ પણ બચાવ કરતા કહ્યું હતું કે ગાંધી પરિવાર અને અમરિંદર વચ્ચે દાયકાઓ જૂના પારિવારિક સંબંધો છે, તેથી તેમની હાજરી એકદમ સ્વાભાવિક છે.

રાહુલ ગાંધીએ યાદ કર્યો માતા-પિતાના ઝઘડાનો રસપ્રદ કિસ્સો

આ સમારોહમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સામે બેઠેલા અમરિંદર સિંહ તરફ ઈશારો કરીને એક રસપ્રદ જૂનો કિસ્સો સંભળાવ્યો હતો. રાહુલે કહ્યું હતું કે, "મેં મારા માતા-પિતા (રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી)ને માત્ર એક જ વાર ઝઘડતા જોયા હતા, અને સંજોગવશાત્ તે સમયે પપ્પા ફોન પર અમરિંદર સિંહજી સાથે વાત કરી રહ્યા હતા. મમ્મી કંઈક કહેવા માંગતા હતા, પરંતુ ફોન પર વ્યસ્ત હોવાથી પપ્પા તણાવમાં આવીને ગુસ્સે થઈ ગયા હતા."

નોંધનીય છે કે ૨૦૨૧માં મુખ્યમંત્રી પદેથી હટાવ્યા બાદ કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ છોડી દીધી હતી અને ૨૦૨૨માં ભાજપમાં જોડાયા હતા. તાજેતરમાં જ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા, ત્યારે હવે સોનિયા ગાંધીના કાર્યક્રમમાં તેમની હાજરીએ પંજાબના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત