ગુજરાત સરકારે વર્ષ 2027ની જાહેર રજાઓનું કેલેન્ડર બહાર પાડ્યું, જાણો ક્યારે છે મહત્વની રજાઓ

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા વર્ષ 2027 દરમિયાન રાજ્ય સરકારની તમામ સરકારી કચેરીઓમાં પાળવામાં આવનારી જાહેર રજાઓ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેર રજાઓની યાદીમાં મુખ્ય ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મકરસંક્રાંતિ, પ્રજાસત્તાક દિવસ, મહાશિવરાત્રિ, રમઝાન ઈદ, ધૂળેટી, ગુડ ફ્રાઈડે, ચેટીચાંદ, ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ, રામનવમી, મહાવીર જન્મકલ્યાણક, બકરી ઈદ, મોહરમ, સ્વાતંત્ર્ય દિવસ, રક્ષાબંધન, જન્માષ્ટમી, સંવત્સરી, ગાંધી જયંતિ, દશેરા, દિવાળી તેમજ નૂતન વર્ષ સહિતના દિવસોનો સમાવેશ થાય છે.
સરકારી જાહેરનામામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જો કોઈ જાહેર રજા મહિનાના બીજા કે ચોથા શનિવારે અથવા રવિવારના દિવસે આવશે, તો તેના બદલામાં અલગથી કોઈ રજા આપવામાં આવશે નહીં. વધુમાં, મુસ્લિમ સમુદાયના તહેવારોની રજાઓ ચાંદ દર્શનને આધીન રહેશે.





