મિડલ ઈસ્ટમાં ફરી ટેન્શન, કુવૈતમાં ડ્રોન હુમલામાં 2 ઈટાલિયન નાગરિકોના મોત

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ગુરુવારે કુવૈતમાં ડ્રોન હુમલાના મામલે 2 ઇટાલિયન નાગરિકોના મોત થયા હોવાનો દાવો કરાયો છે. ઇટાલીના વિદેશ મંત્રાલયે પણ બંને નાગરિકોના મોતની પુષ્ટિ કરી છે, જ્યારે ઈરાને આ પ્રકારના કોઈપણ હુમલાનો ઈનકાર કર્યો છે.
એર ડિફેન્સ સ્ટેશન પર તૈનાત હતા ટેકનિશિયન
કુવૈતના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ સૌદ અબ્દુલઅઝીઝ અલ અતવાનના જણાવ્યા અનુસાર, દેશની એર ડિફેન્સ સિસ્ટમે અનેક ડ્રોન હુમલા નિષ્ફળ બનાવ્યા હતા. આ દરમિયાન અટકાવવામાં આવેલા ડ્રોનના કાટમાળની ઝપેટમાં આવતા 2 ઇટાલિયન નાગરિકોના મોત થયા અને 2 અન્ય ઘાયલ થયા છે.
ઇટાલીના વિદેશ મંત્રી એન્ટોનિયો તાજાનીએ સેનેટને માહિતી આપી હતી કે મૃત્યુ પામેલા બંને નાગરિકો ટેકનિશિયન હતા અને જર્મન સંરક્ષણ કંપની રિનમેટાલના ઇટાલિયન એકમમાં કાર્યરત હતા. તેઓ કુવૈતના એક એર ડિફેન્સ સર્વેલન્સ સ્ટેશન પર તૈનાત હતા.
ઈરાનનો ઈનકાર અને સંયુક્ત તપાસની તૈયારી
આ ઘટનામાં એક કુવૈતી અને એક પાકિસ્તાની નાગરિક પણ ઘાયલ થયા છે. બીજી તરફ, ઈરાનના વરિષ્ઠ સૈન્ય પ્રવક્તા જનરલ અબુલફઝલ શેકર્ચીએ જણાવ્યું કે ઈરાને ખાડી ક્ષેત્રમાં કોઈ સૈન્ય કે આક્રમક અભિયાન ચલાવ્યું નથી.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ટેલિગ્રામ ચેનલ પર જણાવ્યું હતું કે આ ઘટનાની કુવૈત સાથે મળીને તપાસ કરવા અને વાસ્તવિક દોષિતોને સામે લાવવા તેહરાન તૈયાર છે.









