Video: ડિજિટલ શિક્ષણ પર નોર્વેની બ્રેક: શાળાઓમાં ફરી પેન્સિલ અને પુસ્તકોનો યુગ પરત ફર્યો

સોર્સ: gstv

ડિજિટલ શિક્ષણમાં અગ્રેસર ગણાતા નોર્વેએ હવે પોતાના જ નિર્ણય પર પુનર્વિચાર કર્યો છે. ત્રણ વર્ષ પહેલાં જે શિક્ષકને વર્ગમાં આઈપેડને બદલે પેન્સિલ અને પુસ્તકોથી ભણાવવા બદલ ઠપકો મળ્યો હતો, આજે આખો દેશ તેમના માર્ગે ચાલી રહ્યો છે. આ ઘટના વર્ષ 2023માં નોર્વેની રાજધાની ઓસ્લોની ટ્રોસ્ટેરુડ સ્કૂલથી શરૂ થઈ હતી. ત્યાં ત્રીજા ધોરણના શિક્ષક પાલ લુડવિગ ફિનસ્ટેન્ડે જોયું કે બાળકો આઈપેડ પર કામ તો કરે છે, પરંતુ વાંચવા અને લખવાની ક્ષમતા નબળી પડી રહી છે. લગભગ બે દાયકાથી નોર્વેમાં કમ્પ્યુટર અને ટેબ્લેટને પ્રોત્સાહન અપાતું હતું, અને 2023માં ઓસ્લોના દરેક પ્રાથમિક વિદ્યાર્થીને ડિજિટલ ડિવાઈસ આપવાનો નિયમ બન્યો.

ફિનસ્ટેન્ડે આ વ્યવસ્થા સામે જઈને વર્ગમાં આઈપેડ બંધ કરાવ્યા અને નોટબુક, પેન્સિલ તથા પુસ્તકોથી શિક્ષણ શરૂ કર્યું. તેમનું માનવું હતું કે પાયાની સમજ માટે પરંપરાગત રીત શ્રેષ્ઠ છે. આ નિર્ણયથી વિવાદ થયો અને આચાર્યએ તેમને લેખિત ચેતવણી આપી. છતાં તેઓ અડગ રહ્યા. ટૂંક સમયમાં તેમના વર્ગે શાળાની વાંચન સ્પર્ધા જીતી લીધી અને 17 વાલીઓએ તેમના સમર્થનમાં પત્ર લખ્યો. વિવાદ વધતાં તેમની બદલી કરાઈ, પરંતુ નોર્વેજીયન ટીચર્સ એથિક્સ કાઉન્સિલે તેમના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો.

જાહેરાત

ત્યારબાદ સ્ક્રીનની અસર પર ચર્ચા તેજ બની અને એક અહેવાલમાં પણ સ્પષ્ટ થયું કે બાળકો લાંબા લખાણો સ્ક્રીન કરતાં કાગળ પર વધુ સારી રીતે સમજે છે. આખરે, 10 નવેમ્બર 2026ના રોજ ઓસ્લો વહીવટીતંત્રે ધોરણ 1થી 7 સુધી દરેક બાળકને અલગ ડિજિટલ ડિવાઈસ આપવાનો નિયમ રદ કર્યો. હવે શાળાઓ પોતે નક્કી કરશે કે કયા વિષયમાં સ્ક્રીનની જરૂર છે. સાથે જ, 16 વર્ષથી નાની વયના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનું બિલ લાવવાની પણ તૈયારી ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત