Video: ડિજિટલ હેલ્થ અને આરોગ્ય સેવાઓમાં અમદાવાદ સિવિલની બે મોટી સિદ્ધિ

આરોગ્ય સેવાઓ અને ડિજિટલ હેલ્થ ક્ષેત્રે અમદાવાદ સિવિલ હોસ્પિટલની વધુ બે મહત્વપૂર્ણ સિદ્ધિઓ સામે આવી છે. ગુજરાત સરકારની સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા આયોજિત રાજ્યકક્ષાના એવોર્ડ સમારોહમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલને બે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે PMJAY-MA અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ક્લેઇમ સબમિટ કરવા બદલ સિવિલ હોસ્પિટલને પ્રથમ સ્થાન મળ્યું છે. જ્યારે આયુષ્માન ભારત ડિજિટલ મિશન હેઠળ દર્દીઓના 'સ્કેન એન્ડ શેર' રજિસ્ટ્રેશનમાં સમગ્ર રાજ્યમાં બીજું સ્થાન પ્રાપ્ત થયું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા સમારોહમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનોના હસ્તે સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીને બંને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.આ સિદ્ધિ પાછળ સિવિલ હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ, વહીવટી વિભાગ અને ડિજિટલ હેલ્થ ટીમના સંયુક્ત પ્રયાસો હોવાનું હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવાયું છે. આ બંને સન્માનથી આરોગ્ય સેવાઓની સાથે ડિજિટલ રજિસ્ટ્રેશન ક્ષેત્રે પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલની કામગીરીને રાજ્યસ્તરે ઓળખ મળી છે.











