Video: ગુજરાતમાં શિયાળાની જોરદાર શરૂઆત, અમરેલી અને નલિયામાં ઠંડીનો પારો 12 ડિગ્રીની નીચે

ગુજરાતમાં શિયાળાની શરૂઆત સાથે જ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે સરકતાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ વધી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઠંડીની અસર વધુ જોવા મળી રહી છે.હવામાન વિભાગના આંકડા મુજબ, રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન અમરેલીમાં 11.4 ડિગ્રી નોંધાયું છે. જ્યારે નલિયામાં 11.8 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી અને અમદાવાદમાં આશરે 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે રહેતાં શિયાળાની શરૂઆતનો અહેસાસ થઈ રહ્યો છે.
એક તરફ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, તો બીજી તરફ હવામાનમાં ફેરફાર થવાના સંકેતો પણ મળી રહ્યા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આવતીકાલથી રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. જેના કારણે આગામી દિવસોમાં ઠંડીની તીવ્રતામાં આંશિક ઘટાડો થવાની શક્યતા છે.
હાલ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન નીચું રહેતાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આગામી દિવસોમાં તાપમાનનો પારો ફરી ઊંચકાશે. આમ, ગુજરાતમાં શરૂ થયેલી ઠંડી વચ્ચે જ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત