ગુજરાતમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, ક્રેટા કાર સહિત રૂ.17.01 લાખનો મુદ્દામાલ જપ્ત, બે શખ્સોની ધરપકડ

ધોલેરા તાલુકામાં ફેદરા-પીપળી હાઈવે પર કમીયાળા ગામના પાટીયા નજીક સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હ્યુન્ડાઈ ક્રેટા કારમાંથી રૂ.૮,૮૮,૪૨૦ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડયો છે. પોલીસે દારૂ, ક્રેટા કાર, મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ.૧૭,૦૧,૦૬૦નો મુદ્દામાલ કબ્જે કરી રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરી છે.
વિદેશી દારૂની ૩૧ પેટી (કુલ ૩૭૨ બોટલ) મળી
પ્રાપ્ત માહિતી મુજબ, ૧૯ નવેમ્બર ૨૦૨૬ના રોજ એસએમસીની ટીમ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે ક્રેટા કાર (જીજે-૨૧-સીએ-૭૨૮૧)માં વિદેશી દારૂનો જથ્થો ભરી વટામણ ચોકડી તરફથી પીપળી-ફેદરા હાઈવે પરથી પસાર થવાનો છે. પોલીસે કમીયાળા પાટીયા નજીક કારને આંતરી તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની ૩૧ પેટી (કુલ ૩૭૨ બોટલ) મળી આવી હતી.
કુલ રૂ.૧૭,૦૧,૦૬૦નો મુદ્દામાલ જપ્ત
પોલીસ પૂછપરછમાં ઝડપાયેલા ચાલક રાણારામ ફગલુરામ બિશ્નોઈ (રહે. ઝાલોર, રાજસ્થાન) અને ક્લીનર બાબુલાલ ભીયારામજી બિશ્નોઈ (રહે. પાલી, રાજસ્થાન)એ જણાવ્યું કે, બલવંતરામ ઉર્ફે ભરત ભગવાનજી બિશ્નોઈએ તેમને કાર આપી હતી. તેઓ ૧૮ નવેમ્બરે હરિયાણાના ગુડગાંવ (સેક્ટર-૩૩) ખાતેથી દારૂ ભરીને ભાવનગર અને અલંગ વચ્ચેના ટોલપ્લાઝા નજીક પહોંચાડવા જઈ રહ્યા હતા.
પોલીસે ઘટનાસ્થળેથી વિદેશી દારૂ ઉપરાંત રૂ.૮,૦૦,૦૦૦ની કિંમતની ક્રેટા કાર, બે મોબાઈલ ફોન (રૂ.૫,૫૦૦) અને રૂ.૭,૧૪૦ રોકડા સહિત કુલ રૂ.૧૭,૦૧,૦૬૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ધોલેરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી સપ્લાયર બલવંતરામ સહિત અન્ય શખ્સની શોધખોળ અને આગળની તપાસ હાથ ધરી છે.










