વતન જવા માટે ટિકિટ નથી મળી રહી? ચિંતા છોડો! અમદાવાદથી પશ્ચિમ રેલવે 15 અને 16 નવેમ્બરે દોડાવશે 3 ખાસ ટ્રેનો

તહેવારોની સિઝન દરમિયાન બિહાર અને ઉત્તરપ્રદેશ તરફ જતી ટ્રેનોમાં વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા 15 અને 16 નવેમ્બરના રોજ ત્રણ વન-વે સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાંદ્રા ટર્મિનસથી ગોરખપુર, પ્રતાપનગરથી રક્સૌલ અને અમદાવાદથી મધુબની વચ્ચે દોડનારી આ ટ્રેનોનો એક-એક ફેરો રહેશે. લગ્નની સિઝન શરૂ થઈ રહી છે ત્યારે તહેવારોની ભીડને કારણે વતન ન જઈ શકેલા પેસેન્જરોને પણ આ ટ્રેનોના કારણે મુસાફરીની તક મળશે. ત્રણેય ટ્રેનો વિશેષ ભાડા પર દોડાવવામાં આવશે.
બાંદ્રા, પ્રતાપનગર અને અમદાવાદથી બિહાર માટે ત્રણ વન-વે સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ આપેલી માહિતી મુજબ, ટ્રેન નંબર 09113 બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર સ્પેશિયલ 15 નવેમ્બરે સવારે 4:30 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સાંજે 7:30 વાગ્યે ગોરખપુર પહોંચશે. આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, વડોદરા, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, બયાના, ઈદગાહ આગ્રા, કાનપુર સેન્ટ્રલ, ઐશબાગ જંક્શન, બારાબંકી, ગોંડા અને બસ્તી સ્ટેશનો પર રોકાશે.
બીજી ટ્રેન નંબર 09133 પ્રતાપનગર-રક્સૌલ સ્પેશિયલ 16 નવેમ્બરે રાત્રે 11:50 વાગ્યે પ્રતાપનગરથી ઉપડશે અને 18 નવેમ્બરે સવારે 6:30 વાગ્યે રક્સૌલ પહોંચશે. આ ટ્રેન વડોદરા, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, મક્સી, સંત હિરદારામ નગર, બીના, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી જંક્શન, કાનપુર સેન્ટ્રલ, લખનઉ, બારાબંકી, ગોંડા, બસ્તી, ખલીલાબાદ, ગોરખપુર, કપ્તાનગંજ, સિસવા બજાર, બગહા અને નરકટિયાગંજ સ્ટેશનો પર ઉભી રહેશે.
ત્રીજી ટ્રેન નંબર 09431 અમદાવાદ-મધુબની સ્પેશિયલ 15 નવેમ્બરે સવારે 10:10 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને 17 નવેમ્બરે રાત્રે 1:40 વાગ્યે મધુબની પહોંચશે. આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ઉજ્જૈન, સીહોર, સંત હિરદારામ નગર, વિદિશા, બીના, દમોહ, કટની મુડવારા, સતના, માનિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, બક્સર, આરા, દાનાપુર, પાટલિપુત્ર, સોનપુર, હાજીપુર, મુઝફ્ફરપુર, સમસ્તીપુર, દરભંગા અને સકરી સ્ટેશનો પર રોકાશે.
સ્લીપર અને જનરલ કોચની સુવિધા
ત્રણેય સ્પેશિયલ ટ્રેનોમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ રહેશે. આ ટ્રેનોની ટિકિટનું બુકિંગ તમામ પીઆરએસ કાઉન્ટરો અને IRCTCની વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે. પેસેન્જરો વિશેષ ભાડા પર આ ટ્રેનોમાં ટિકિટ બુક કરાવી શકશે.










