આદિવાસી વિસ્તારના પ્રવાસને લઈને અમિત ચાવડાના ભાજપ સરકાર પર પ્રહાર, કહ્યું – એક દિવસનું ફોટોસેશન નહીં, 30 વર્ષનો હિસાબ આપો!

અમદાવાદઃ ગુજરાતમાં આદિવાસી વિસ્તારના પ્રવાસને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વિપક્ષના નેતા અમિત ચાવડાએ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.
અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં આદિવાસી વિસ્તારોનો અપેક્ષિત વિકાસ થયો નથી. આજે પણ આદિવાસી સમાજ કુપોષણ, બેરોજગારી અને પાયાની સુવિધાઓના અભાવ જેવી સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે.
તેમણે સરકારને સવાલ કર્યો કે 30 વર્ષના શાસન બાદ પણ આદિવાસી સમાજની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો કેમ જોવા મળતો નથી? આદિવાસી સમાજ હવે ઝાડનાં પાનમાં જમતો નથી, પરંતુ તેને સન્માનજનક અને સુરક્ષિત જીવન જીવવાનો અધિકાર છે.
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે એક દિવસનું પ્રવાસન અને ફોટોસેશન કરવાને બદલે ભાજપ સરકારે 30 વર્ષના શાસનનો હિસાબ આપવો જોઈએ. સાથે જ આદિવાસી વિસ્તારોમાં કુપોષણ દૂર કરવા નક્કર કામગીરી કરવામાં આવે અને લોકોને સુરક્ષિત જીવન તથા જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ કરી છે.
આમ, આદિવાસી વિસ્તારના પ્રવાસને લઈને હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય નિવેદનબાજી તેજ બની છે.












