મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ઈરાનનો કૂટનીતિક દાવ: ભારત સહિત 4 દેશના જહાજો પરથી હોર્મુઝમાં અવરજવરની રોક હટાવી

ઇરાને ભારત અને ચીન સહિત ચાર દેશોનાં કોમર્શિયલ જહાજોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અવરજવર પર પ્રતિબંધમાંથી મુક્તિ આપી છે તેમ ઇરાનનાં ઉચ્ચ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે. અન્ય બે દેશોમાં ઇરાક અને કતારનો સમાવેશ થાય છે.
ઇરાન, અમેરિકા અને ઇઝરાયેલની વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે આ સમુદ્ર માર્ગથી વેપાર ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. જો કે આ નિર્ણયથી ભારતીય એનર્જી સપ્લાયને મોટી રાહત મળવાની આશા છે.
આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે આ મહત્ત્વપૂર્ણ સમુદ્ર માર્ગથી પસાર થવાનો પ્રયત્ન કરનાર જહાજો પર સતત હુમલા થઇ રહ્યાં છે.
ઇરાનની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિનાં ઉપાધ્યક્ષ અમીર હયાત મોગાદમે મંગળવારે ઇરાનિયન સ્ટુડન્ટ્સ ન્યૂઝ એજન્સીને આપેલા એક ઇન્ટરવ્યુમાં આ જાહેરાત કરી હતી.
આ અર્ધ સરકારી સમાચાર એજન્સીનાં જણાવ્યા અનુસાર અમે હાલમાં ચાર દેશો ભારત, ચીન, ઇરાક અને કતારને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અવરજવર પર પ્રતિબંધમાંથી મુક્તિ આપી છે.
આ દેશોનાં જહાજ કોઇ પ્રકારની રોક ટોક વગર પસાર થઇ શકશે અને અમેરિકા પણ તેમને રોકતા નથી.
મોગાદમે જણાવ્યું હતું કે આ રાહત કેટલીક ખાસ વાતો અને પરસ્પરનાં હિતોને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે.
તેમણે જણાવ્યું હતું કે ભારતીય જહાજોને અવરજવરની પરવાનગી આપવાનો ઉદ્દેશ ભારતમાંથી દવાઓની આયાત સુનિશ્ચિત કરવાનો છે. જ્યારે ચીનનાં જહાજોને આપવામાં આવેલી મુક્તિનો ઉદ્દેશ બેઇજિંગનું રાજકીય સમર્થન પ્રાપ્ત કરવાનું છે.









