મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

Video: ટ્રમ્પની સત્તા જશે તો ઈઝરાયલનું શું થશે? નેતન્યાહૂની ભવિષ્યવાણીથી ખળભળાટ, ભારત પર કેમ રાખી આશા?

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આશંકા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં અમેરિકામાં ઈઝરાયલ વિરોધી વલણ ધરાવતા પ્રમુખ સત્તા પર આવી શકે છે. આગામી 27 ઓક્ટોબરે યોજાનારી સંસદીય ચૂંટણી પહેલાં પોતાની સુરક્ષા નીતિ રજૂ કરતી વખતે તેમણે આ નિવેદન આપ્યું હતું. નેતન્યાહૂએ કહ્યું કે ઈઝરાયલે માત્ર અમેરિકા પર નિર્ભર રહેવાને બદલે ભારત અને લેટિન અમેરિકા સહિતના દેશો સાથે રાજદ્વારી તથા વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવા જોઈએ.

બે વર્ષમાં અમેરિકાની નીતિ બદલાવાની આશંકા

નેતન્યાહૂના જણાવ્યા અનુસાર, આગામી બે વર્ષમાં અમેરિકામાં એવો પ્રમુખ સત્તા પર આવી શકે છે, જે ઈઝરાયલ પ્રત્યે વિરોધી વલણ ધરાવતો હોય. આવી સંભાવનાને ધ્યાનમાં રાખીને ઈઝરાયલે અમેરિકાના વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બાકી રહેલા કાર્યકાળનો ઉપયોગ પોતાની વૈશ્વિક સ્થિતિ મજબૂત કરવા માટે કરવો જોઈએ.

તેમણે સ્પષ્ટ કર્યું કે અમેરિકા સાથેના સંબંધો જાળવી રાખવાની સાથે અન્ય શક્તિશાળી દેશો સાથે પણ નવા ગઠબંધન ઊભાં કરવા જરૂરી છે. આ દરમિયાન તેમણે ભારતનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. નેતન્યાહૂએ ભારતને મહત્ત્વપૂર્ણ વૈશ્વિક શક્તિ ગણાવીને લેટિન અમેરિકામાં થઈ રહેલા રાજકીય પરિવર્તનો તરફ પણ ધ્યાન દોર્યું હતું.

ભારત સાથેના સંબંધો પર કેમ છે ખાસ ભાર?

નેતન્યાહૂ અગાઉ પણ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સંબંધોને મહત્ત્વપૂર્ણ ગણાવી ચૂક્યા છે. મે મહિનામાં તેમણે ભારતની વૈશ્વિક ભૂમિકા અને બંને દેશો વચ્ચેના સંબંધોની પ્રશંસા કરી હતી.

અમેરિકા લાંબા સમયથી ઈઝરાયલનો મહત્ત્વપૂર્ણ સાથી રહ્યો છે. જોકે, બરાક ઓબામા અને જો બાઇડેન જેવા ડેમોક્રેટિક પ્રમુખોના કાર્યકાળ દરમિયાન ઈઝરાયલ સાથે વિવિધ મુદ્દાઓ પર મતભેદો પણ જોવા મળ્યા હતા. કેટલાક રાજકીય વિશ્લેષકો માને છે કે નેતન્યાહૂની નીતિઓને કારણે અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીમાં ઈઝરાયલ માટેનું સમર્થન ઘટ્યું છે.

વિપક્ષે સુરક્ષા નીતિને ચૂંટણીલક્ષી ગણાવી

ઈઝરાયલના વિપક્ષી નેતા અને પૂર્વ સેનાપ્રમુખ ગાદી આઇઝનકોટે નેતન્યાહૂની સુરક્ષા નીતિની ટીકા કરી હતી. તેમણે આ દસ્તાવેજને માત્ર બે પાનાનો ગણાવીને આરોપ લગાવ્યો કે ચૂંટણી પહેલાં લોકોમાં ડર ઊભો કરીને મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

આઇઝનકોટે કહ્યું કે 7 ઓક્ટોબર, 2023ની ઘટનાઓનાં લગભગ ત્રણ વર્ષ બાદ અને અનેક મોરચે યુદ્ધની સ્થિતિ હોવા છતાં ચૂંટણીના માત્ર નવ દિવસ પહેલાં નીતિ જાહેર કરવી એ નક્કર વ્યૂહાત્મક દિશાના અભાવ તરફ સંકેત આપે છે.

ટ્રમ્પે નેતન્યાહૂને આપ્યું સમર્થન

નેતન્યાહૂના નિવેદનના થોડા કલાકો પહેલાં જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને મજબૂત અને બહાદુર નેતા ગણાવીને સમર્થન આપ્યું હતું. ટ્રમ્પે ઈરાન સામેની કાર્યવાહીમાં નેતન્યાહૂને મહત્ત્વપૂર્ણ સહયોગી પણ ગણાવ્યા હતા.

જોકે, ઈઝરાયલમાં વડાપ્રધાનની પસંદગી સીધા જનતાના મતદાનથી નહીં, પરંતુ સંસદમાં બહુમતીના આધારે થાય છે. તેથી ટ્રમ્પના સમર્થનથી ચૂંટણીમાં નેતન્યાહૂને કેટલો ફાયદો થશે તે જોવું રહ્યું. હાલ તેમની સુરક્ષા નીતિ, અમેરિકા સાથેના સંબંધો અને ભારત સહિતના દેશો સાથેના ગઠબંધનની યોજના ઈઝરાયલના રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે.

આ સમાચાર શેર કરો