કૃણાલ પંડ્યા કેપ્ટન બન્યો, ભુવનેશ્વર કુમારના રિપ્લેસમેન્ટની પણ થઈ જાહેરાત; 34 વર્ષીય બોલરને મળ્યું સ્થાન

હોંગકોંગ સિક્સીસ 2026 ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમમાં મોટો ફેરફાર થયો છે. ભુવનેશ્વર કુમાર પહેલા ટીમનું નેતૃત્વ કરવાનો હતો, પરંતુ હવે તેને ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જેના કારણે તે આ સિઝનમાં નહીં રમી શકે. ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ટુર્નામેન્ટ માટે ભુવનેશ્વર કુમારના સ્થાને ટીમમાં અન્ય ખેલાડીની પણ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ટાઈટન્સના 34 વર્ષીય ફાસ્ટ બોલરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ટીમ ઈન્ડિયામાં કુલવંત ખેજરોલિયાનો સમાવેશ
ભારતનો ન્યુઝીલેન્ડ પ્રવાસ 22 ઓક્ટોબરથી શરૂ થશે, જે 30 ઓક્ટોબરથી શરૂ થનારી હોંગકોંગ સિક્સીસ ટુર્નામેન્ટ સાથે ટકરાશે. પરિણામે, ભુવનેશ્વર કુમારને ટુર્નામેન્ટમાંથી ખસી જવાની ફરજ પડી છે. ગુજરાત ટાઈટન્સના ફાસ્ટ બોલર કુલવંત ખેજરોલિયાને તેના સ્થાને ભારતીય ટીમમાં જગ્યા આપવામાં આવી છે, અને આ ટુર્નામેન્ટ 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી રમાશે.
કૃણાલ પંડ્યાનો ફેન્સને મેસેજ
કેપ્ટન બન્યા પછી RCB સ્ટાર કૃણાલ પંડ્યાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આ નિર્ણયની જાણકારી આપી. તેણે ફેન્સને હોંગકોંગ સિક્સેસ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમને સપોર્ટ આપવા અને પ્રોત્સાહિત કરવા અપીલ કરી. કૃણાલને છ IPL મેચોમાં કેપ્ટનશિપનો અનુભવ છે, જેમાં ત્રણ જીત્યા અને બે હાર્યા.
ભારતીય ટીમનું ગત સિઝનનું પ્રદર્શન નિરાશાજનક હતું
2025ની હોંગકોંગ સિક્સેસ ટુર્નામેન્ટ ભારત માટે ખરાબ સ્વપ્ન જેવી રહી હતી. તે સમયે, રોબિન ઉથપ્પા અને દિનેશ કાર્તિક જેવા અનુભવી ખેલાડીઓ ધરાવતી ટીમ ગ્રુપ સ્ટેજમાં કુવૈત જેવી નબળી ટીમ સામે હારી ગઈ હતી. ત્યારબાદ ભારત બાકીની મેચોમાં નેપાળ, UAE અને શ્રીલંકા સામે હારી ગયું હતું અને છેલ્લા સ્થાને રહ્યું હતું, જ્યારે પડોશી દેશ પાકિસ્તાને ટાઈટલ જીત્યું હતું. આ જ કારણ છે કે BCCIએ અનુભવી ખેલાડીઓની જગ્યાએ ઈન-ફોર્મ ડોમેસ્ટિક અને IPL ખેલાડીઓને રાખ્યા છે, જેઓ પહેલીવાર આ ટુર્નામેન્ટમાં રમશે. આ વખતે ભારતીય ટીમના ખેલાડીઓ ખિતાબ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
હોંગકોંગ સિક્સર્સ માટે ભારતની અપડેટેડ ટીમ
કૃણાલ પંડ્યા (કેપ્ટન), નીતિશ રાણા, રાહુલ ત્રિપાઠી, શશાંક સિંહ, રાહુલ તેવતિયા, ટી. નટરાજન અને કુલવંત ખેજરોલિયા








