Video: મૃત્યુ પર પ્રવચન આપ્યાની થોડી જ ક્ષણોમાં પાદરીનું મોત, ચર્ચમાં માથા પર પડ્યો વિશાળ ક્રોસ

એક્વાડોરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ચર્ચમાં પ્રાર્થના સભા દરમિયાન વિશાળ ક્રોસ માથા પર પડતાં પાદરીનું મોત થયું હતું. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ઘટનાની થોડી જ ક્ષણો પહેલાં પાદરીએ પોતાના પ્રવચનમાં જીવનની ક્ષણભંગુરતા અને મૃત્યુ વિશે વાત કરી હતી. આ સમગ્ર ઘટના ચર્ચમાં ચાલી રહેલી લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન કેદ થઈ હતી.
પ્રવચન પૂરું થાય તે પહેલાં જ બની દુર્ઘટના
મૃતક પાદરીનું નામ ફાધર પેટ્રિસિયો અલ્ફ્રેડો સાંચેઝ મોલિનારી હતું. તેઓ એક્વાડોરના ગુઆયાકિલ શહેરમાં આવેલા ચર્ચ ઓફ અવર લેડી ઑફ પર્પેચ્યુઅલ હેલ્પમાં પાદરી તરીકે સેવા આપતા હતા. ગુઆયાકિલના આર્ચડાયસિસે શનિવારે તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી.
ઘટના સમયે પાદરી વેદી પાસે ઊભા રહીને શ્રદ્ધાળુઓને સંબોધિત કરી રહ્યા હતા. તેમની પાછળ દીવાલ પર લગાવેલો વિશાળ ક્રોસ અચાનક છૂટીને આગળની તરફ પડ્યો અને સીધો તેમના માથાના પાછળના ભાગ પર વાગ્યો. પાદરીને પાછળથી શું થઈ રહ્યું છે તેની જાણ પણ થઈ નહોતી.

શ્રદ્ધાળુઓની ચીસોથી ગૂંજી ઊઠ્યું ચર્ચ
ક્રોસ વાગ્યા બાદ પાદરી ફરી ઊભા થઈ શક્યા નહોતા. ઘટનાના લાઇવ વીડિયોમાં શ્રદ્ધાળુઓની ચીસો અને રડવાનો અવાજ સંભળાતો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. કેટલાક લોકો તરત જ તેમની મદદ માટે દોડી આવ્યા અને એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જોકે, તબીબી મદદ પહોંચ્યા બાદ પાદરીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
મોબાઇલ છોડીને ઈશ્વર અને પરિવારને સમય આપવા કરી હતી અપીલ
દુર્ઘટનાના થોડા સમય પહેલાં જ પાદરીએ પોતાના પ્રવચનમાં મૃત્યુ અને જીવનની અનિશ્ચિતતા વિશે વાત કરી હતી. તેમણે શ્રદ્ધાળુઓને મોબાઇલ ફોન પર સમય વેડફવાને બદલે ઈશ્વર અને પરિવારજનો સાથે વધુ સમય પસાર કરવાની સલાહ આપી હતી.
તેમણે કહ્યું હતું કે એક દિવસ દરેક વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે અને ઈશ્વર સાથે વિતાવેલો સમય જીવનમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ વાતના થોડા સમય બાદ જ તેમની સાથે આ દુર્ઘટના બની હતી.
ક્રોસ કેવી રીતે પડ્યો તે હજી સ્પષ્ટ નથી
ચર્ચના અધિકારીઓએ પાદરીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમની યાદમાં વિશેષ પ્રાર્થનાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જોકે, દીવાલ પર લગાવેલો ભારે ક્રોસ અચાનક કેવી રીતે છૂટ્યો અને નીચે પડ્યો તે અંગે હજુ સુધી સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી.












