700 ફૂટ ઊંચે ઉછળ્યો લાવા, હવાઈમાં કિલાઉએ જ્વાળામુખીનો ભયાનક વિસ્ફોટ! બે વર્ષમાં 55મી વખત ફાટ્યો

હવાઈનો પ્રખ્યાત અને સક્રિય કિલાઉએ જ્વાળામુખી (Kilauea Volcano) 17 ઓક્ટોબર, 2026ના રોજ ફરી એકવાર ફાટ્યો હતો. છેલ્લા બે વર્ષમાં આ જ્વાળામુખીનો 55મો વિસ્ફોટ નોંધાયો છે. આ દરમિયાન હવાઈ વોલ્કેનોઝ નેશનલ પાર્કના ઉત્તર વેન્ટમાંથી લાવાના ફુવારા આશરે 700 ફૂટ ઊંચે સુધી ઉછળ્યા હતા. આકાશમાં રાખનાં વાદળો લગભગ 25,000 ફૂટની ઊંચાઈ સુધી પહોંચતાં આકાશમાં અદભુત અને ભયાવહ દૃશ્ય સર્જાયું હતું.
છ કલાક સુધી ચાલ્યો જ્વાળામુખીનો વિસ્ફોટ
હવાઈના સ્થાનિક સમય અનુસાર, સવારે 3:19 વાગ્યે ઉત્તર વેન્ટમાંથી લાવાના ફુવારા નીકળવાની શરૂઆત થઈ હતી. સવારે 5 વાગ્યા સુધીમાં લાવાના ફુવારા 700 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા હતા. આ વિસ્ફોટનો નજારો લગભગ છ કલાક સુધી ચાલ્યો હતો અને સવારે 9:03 વાગ્યે શાંત થયો હતો. જ્વાળામુખીમાંથી નીકળેલી રાખ આસપાસના વિસ્તારમાં ફેલાઈ હતી, જ્યારે લાવાની તેજસ્વી જ્વાળાઓએ આગના ગોળા જેવું દૃશ્ય સર્જ્યું હતું.
ડિસેમ્બર 2024થી વિસ્ફોટોની શ્રેણી ચાલુ
કિલાઉએ વિશ્વના સૌથી સક્રિય જ્વાળામુખીઓમાંનો એક છે. ડિસેમ્બર 2024થી અહીં વારંવાર વિસ્ફોટ થઈ રહ્યા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, જ્વાળામુખીની અંદર મેગ્માનું દબાણ વધતાં લાવા ફુવારા સ્વરૂપે બહાર નીકળે છે. આવી ઘટનાઓથી જ્વાળામુખીની આંતરિક ગતિવિધિઓ અને તેની કાર્યપ્રણાલીને સમજવામાં મદદ મળે છે.
વૈજ્ઞાનિકો સતત રાખી રહ્યા છે નજર
યુએસ જીઓલોજિકલ સર્વે (USGS)ની હવાઈયન વોલ્કેનો ઓબ્ઝર્વેટરીએ આ વિસ્ફોટની પુષ્ટિ કરી છે. વૈજ્ઞાનિકો જ્વાળામુખીની ગતિવિધિઓ પર સતત નજર રાખી રહ્યા છે, જેથી તેની સ્થિતિનું નિરીક્ષણ કરી શકાય અને સંભવિત જોખમ અંગે જરૂરી માહિતી મેળવી શકાય.







