મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભરૂચની જામા મસ્જિદ કે જૈન સમરી વિહાર? 700 વર્ષમાં પહેલીવાર પાછળનો દરવાજો બંધ

ભરૂચની જામા મસ્જિદ કે જૈન સમરી વિહાર? 700 વર્ષમાં પહેલીવાર પાછળનો દરવાજો બંધ

ભરૂચ જિલ્લાની રાષ્ટ્રીય ધરોહર અને પુરાતત્ત્વ વિભાગની દેખરેખ હેઠળની જામા મસ્જિદ સકુનિકા અને જૈન સમરી વિહાર હોવાના દાવા સાથેનો વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. ત્યારે મંગળવારે (12મી ઓક્ટોબર) આ અરજી પર વધુ સુનાવણી હાથ ધરાશે, જ્યારે બીજી તરફ આ વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કરતા મસ્જિદની અંદર અને બહાર ૨૫ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે.

ભગવાન મલ્લિનાથ અને ગણેશજીની પ્રતિમાની સુરક્ષા તથા પૂજાપાઠની મંજૂરી માટે રજૂઆત કરાશે

સૂત્રોના જણાવ્યાનુસાર,હાઈકોર્ટમાં આજે જે સુનાવણી થશે તેમાં મસ્જિદના પિલરોમાં રહેલી દેવી-દેવતાઓ ની કોતરણી અને 700 વર્ષ જૂના ઈતિહાસ ધરાવતા જૈન તીર્થંકર ભગવાન મલ્લિનાથ તથા સનાતન ધર્મના વિધ્નહર્તા ગણેશજીની પ્રતિમાની સુરક્ષાને લઈને વિશેષ દલીલો કરવામાં આવશે. આ સમગ્ર મામલો હવે સંવેદનશીલ બન્યો હોઈ 700 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત પાછળનો મુખ્ય પ્રવેશદ્વાર કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત પુરાતત્ત્વ વિભાગની પ્રોપર્ટીમાં થતી દફનવિધિ બંધ કરાવીને એક અધિકારીને સતત ફરજ પર રાખવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા આ વિવાદ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમ બાદ મસ્જિદમાં શુક્રવારની નમાઝ અદા કરતા મુસ્લિમ બિરાદરોની સંખ્યા તેમજ જૈન બંધુઓ અને શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં સતત વધારો થઈ રહ્યો છે. મસ્જિદ ટ્રસ્ટને પણ પક્ષકાર બનાવાયું છે. મંગળવારે હાઈકોર્ટમાં થનારી સુનાવણીમાં ટ્રસ્ટના વકીલ પણ રજૂઆત કરે તેવી સંભાવના છે. આ સમગ્ર સંવેદનશીલ પ્રકરણમાં પુરાતત્વ વિભાગની મિલકતનું પરિણામ શું આવશે તે અંગે તમામ ધર્મના લોકોની નજર હવે હાઈકોર્ટમાં થનારી સુનાવણી પર અને તેના ત્યાર બાદ શું ઓર્ડર થાય છે તેના પર મંડાયેલી છે.

પાતાળ કૂવામાં છુપાયેલો છે દેવી-દેવતાઓની પ્રતિમાઓનો રહસ્ય?

પુરાતત્ત્વ વિભાગની દેખરેખ હેઠળની જામા મસ્જિદમાં એક વિશાળ પ્રાચીન પાતાળ કૂવો આવેલો છે. આ મિલકત મૂળ સકુનિકા અને જૈન સમરી વિહાર હોવાના દાવા સાથે અનેક ખુલાસા થયા છે, જેમાં હજારો વર્ષ જૂના આ પાતાળ કૂવામાં જૈન અને સનાતન ધર્મના દેવી-દેવતાઓની અને અનેક પવિત્ર ધાર્મિક ગ્રંથોનો રાજ છુપાયેલો હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. જો આ પાતાળ કૂવાની સત્તાવાર તપાસ કરવામાં આવે તો ભરૂચના ઈતિહાસ અંગે મોટા અને ચોંકાવનારા ખુલાસા બહાર આવી શકે તેવી પ્રબળ સંભાવનાઓ વર્તાઈ રહી છે.

આ સમાચાર શેર કરો