સુરતના પાંડેસરામાં SOG અને આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી, 16 બોગસ તબીબો ઝડપ્યા

સુરતના પાંડેસરા વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબો સામે સુરત SOG અને જિલ્લા આરોગ્ય વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી છે. અલગ-અલગ ક્લિનિક પર દરોડા પાડીને ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા 16 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, સિરપ અને તબીબી સાધનો સહિત કુલ રૂ. 1.82 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ડમી દર્દીઓ મોકલાયા
પ્રાપ્ત વિગતો અનુસાર, પાંડેસરા વિસ્તારમાં કેટલાક લોકો જરૂરી તબીબી લાયકાત વિના ક્લિનિક ચલાવી દર્દીઓની સારવાર કરતા હોવાની આશંકાને પગલે SOG અને આરોગ્ય વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. કાર્યવાહી દરમિયાન પહેલાં ક્લિનિકમાં ડમી દર્દીઓને મોકલીને તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમોએ એકસાથે અલગ-અલગ ક્લિનિકમાં દરોડા પાડ્યા હતા.
16 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી
તપાસમાં સામે આવ્યું કે, ઝડપાયેલા મોટાભાગના શખ્સો માત્ર ધોરણ 10થી 12 સુધી અથવા સામાન્ય ગ્રેજ્યુએશન સુધી ભણેલા હતા. આ પૈકી કેટલાક અગાઉ હોસ્પિટલોમાં કમ્પાઉન્ડર કે હેલ્પર તરીકે કામ કરતા હતા. ત્યારબાદ તેમણે સુરતમાં પોતાના ક્લિનિક શરૂ કરી દીધાં હતાં.
ચોંકાવનારી બાબત એ છે કે, કેટલાક શખ્સો છેલ્લા 10થી 33 વર્ષ જેટલા લાંબા સમયથી તબીબી પ્રેક્ટિસ કરતા હોવાનું સામે આવ્યું છે. આ રીતે તેઓ દરરોજ હજારો રૂપિયાની કમાણી કરતા હોવાની વિગતો પણ સામે આવી છે. આ મામલે તમામ 16 આરોપીઓ વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે અને આરોગ્ય વિભાગે સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






