મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ન્યાય મેળવવામાં નહીં થાય વિલંબ! HIV/AIDS પીડિતો માટે હાઇકોર્ટે જાહેર કર્યો સ્પેશિયલ પરિપત્ર

ન્યાય મેળવવામાં નહીં થાય વિલંબ! HIV/AIDS પીડિતો માટે હાઇકોર્ટે જાહેર કર્યો સ્પેશિયલ પરિપત્ર

ગુજરાત હાઇકોર્ટે HIV/AIDSથી સંક્રમિત વ્યક્તિઓને ન્યાય મેળવવામાં પ્રાથમિકતા આપવા મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિના આદેશ અનુસાર, HIV/AIDS સંક્રમિત વ્યક્તિઓના પડતર કેસોની સુનાવણી અને નિકાલને અગ્રતા આપવામાં આવશે. આ માટે આવા કેસોના અરજદારોને જરૂરી દસ્તાવેજો સાથે હાઇકોર્ટના સંબંધિત અધિકારીઓનો રૂબરૂ સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે. 

પરિપત્ર જાહેર કરવામાં આવ્યો

ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા 8 ઑક્ટોબર, 2026ના રોજ આ અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા 26 સપ્ટેમ્બર, 2023ના રોજ સિવિલ અપીલ નંબર 7175/2021માં CPL આશિષ કુમાર ચૌહાણ (નિવૃત્ત) વિરુદ્ધ કમાન્ડિંગ ઑફિસર અને અન્યના કેસમાં આપવામાં આવેલા ચુકાદાના નિર્દેશોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરિપત્રમાં HIV/AIDS (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ) એક્ટ, 2017ની કલમ 34નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અગ્રતા મેળવવા માટે કચેરીના સમય દરમિયાન રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે

પરિપત્ર મુજબ, ગુજરાત હાઇકોર્ટમાં જે HIV/AIDS સંક્રમિત વ્યક્તિઓના કેસો પડતર છે, તેઓએ પોતાના કેસની સુનાવણી અને નિકાલમાં અગ્રતા મેળવવા માટે કચેરીના સમય દરમિયાન રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. પુરુષ દર્દીઓએ એડિશનલ રજિસ્ટ્રાર હર્ષદકુમાર એમ. પટેલનો, જ્યારે મહિલા દર્દીઓએ એડિશનલ રજિસ્ટ્રાર (વહીવટ) સુજિત્રા રાજનનો સંપર્ક કરવાનો રહેશે.

માન્યતા પ્રાપ્ત પ્રયોગશાળાનો HIV પોઝિટિવ રિપોર્ટ અને ઓળખપત્રો જરૂરી

આ માટે અરજદારોએ સરકારી માન્યતા પ્રાપ્ત પ્રયોગશાળાનો HIV પોઝિટિવ રિપોર્ટ, ઓળખનો પુરાવો અને પોતાના કેસને લગતા તમામ સંબંધિત દસ્તાવેજો સાથે લઈ જવાના રહેશે. હાઇકોર્ટની વેબસાઇટ પર પણ આ પરિપત્ર પ્રસિદ્ધ કરીને તમામ અરજદારો અને જાતે કેસ લડતા પક્ષકારોને જાણ કરવામાં આવી છે. આ નિર્ણયથી HIV/AIDS સંક્રમિત વ્યક્તિઓના પડતર કેસોને પ્રાથમિકતા આપવાની વ્યવસ્થા અમલમાં આવશે.

આ સમાચાર શેર કરો