દિવાળી પહેલાં રેશનકાર્ડ ધારકોને મોટો ઝટકો! સિંગતેલનો જથ્થો ઘટતાં મુશ્કેલી

Rationing Groundnut Oil Crisis: દિવાળીના તહેવાર પહેલાં વડોદરા શહેર અને જિલ્લામાં રેશનકાર્ડ ધારકોની મુશ્કેલી વધી છે. રેશનિંગની દુકાનો પરથી સિંગતેલ મેળવતા અનેક લાભાર્થીઓને આ વખતે પૂરતો જથ્થો નહીં મળે તેવી સ્થિતિ સર્જાઈ હોવાના અહેવાલ છે. દુકાનદારોના આક્ષેપ મુજબ, પુરવઠા વિભાગ દ્વારા માંગણીની સરખામણીએ 20થી 40 ટકા ઓછો જથ્થો ફાળવવામાં આવ્યો છે. પરિણામે, પૂરા જથ્થાનાં નાણાં ભર્યા હોવા છતાં દુકાનદારોને માત્ર 60થી 80 ટકા જેટલું જ તેલ મળ્યું છે. તહેવારના સમયે સિંગતેલ મેળવવા આવતા ગ્રાહકોને જથ્થો ખૂટી જતાં પરત ફરવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
પૂરા પૈસા ભર્યા, છતાં સિંગતેલ ઓછું મળ્યાનો આક્ષેપ
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ઓક્ટોબર મહિનામાં રેશનિંગની દુકાનો મારફતે સિંગતેલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. દુકાનદારોના જણાવ્યા અનુસાર, પુરવઠા વિભાગે 100 ટકા જથ્થા મુજબની રકમ તેમની પાસેથી વસૂલી લીધી છે, પરંતુ વાસ્તવમાં દુકાનો સુધી માત્ર 60થી 80 ટકા જથ્થો પહોંચાડવામાં આવ્યો છે.
દુકાનદારોનો આક્ષેપ છે કે, નાણાં પૂરેપૂરા જમા કરાવ્યા હોવા છતાં બાકી રહેલા તેલના જથ્થા અને નાણાં અંગે અનિશ્ચિતતા છે. તહેવારના દિવસોમાં જ આ પ્રકારની અછત સર્જાતાં દુકાન સંચાલકોની મુશ્કેલી વધી છે. જોકે, આ અંગે પુરવઠા વિભાગ તરફથી જથ્થાની અછત હોવાની વાતને નકારવામાં આવી છે.
'વહેલા તે પહેલા'ના ધોરણે વિતરણથી ગ્રાહકોમાં રોષ
રેશનિંગની દુકાનોમાં સિંગતેલનો જથ્થો મર્યાદિત હોવાથી 'વહેલા તે પહેલા' (First Come, First Served)ના ધોરણે વિતરણ કરવાની સ્થિતિ ઊભી થઈ છે. દુકાનદારોના જણાવ્યા પ્રમાણે, જો તમામ પાત્ર રેશનકાર્ડ ધારકોની સરખામણીએ ઓછું તેલ ઉપલબ્ધ હોય તો કેટલાક ગ્રાહકોને જથ્થો મળી શકે અને બાકીના લાભાર્થીઓને ખાલી હાથે પાછા ફરવું પડી શકે છે.
દિવાળી જેવા મોટા તહેવાર દરમિયાન સિંગતેલ ન મળતાં ગ્રાહકોમાં નારાજગી ફેલાઈ રહી છે. જથ્થો પૂરો થઈ જતાં ગ્રાહકો દુકાનદારો સાથે ઉગ્ર બોલાચાલી કરે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે. દુકાનદારોનું કહેવું છે કે, જથ્થાની ફાળવણી તેમના નિયંત્રણમાં ન હોવા છતાં ગ્રાહકોના રોષનો સામનો તેમને કરવો પડી રહ્યો છે.
ફરિયાદ થાય તો દુકાનદારોની મુશ્કેલી વધવાની ભીતિ
દુકાનદારોના જણાવ્યા મુજબ, જો કોઈ લાભાર્થી સિંગતેલ ન મળવાની ઓનલાઈન ફરિયાદ કરે તો પુરવઠા વિભાગ તરફથી દુકાન સંચાલક પાસે જ ખુલાસો માગવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં જથ્થો ઓછો મળ્યો હોવા છતાં જવાબદારી દુકાનદાર પર આવી શકે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી દુકાનદારોની માગ છે કે તમામ પાત્ર લાભાર્થીઓને પૂરતો જથ્થો મળી રહે તે માટે પુરવઠા વિભાગે સમયસર વ્યવસ્થા કરવી જોઈએ.
જિલ્લા પુરવઠા અધિકારીએ શું કહ્યું?
આ સમગ્ર મામલે જિલ્લા પુરવઠા અધિકારી સિદ્ધિ વર્માએ જણાવ્યું હતું કે કોઈ પણ દુકાનદારને ઓછું તેલ આપવામાં આવ્યું નથી. જો કોઈ દુકાનદારને ઓછો જથ્થો મળ્યો હોવાની સ્થિતિ હશે તો તેમની માગણી મુજબનો બાકી જથ્થો પૂરો પાડવામાં આવશે. હવે વિભાગ દ્વારા આ અંગે શું કાર્યવાહી કરવામાં આવે છે અને દિવાળી પહેલાં તમામ પાત્ર લાભાર્થીઓને સિંગતેલ મળી શકે છે કે નહીં તેના પર નજર રહેશે.
સિંગતેલના ભાવ અને કંપનીની વિગતો
પુરવઠા વિભાગ દ્વારા રેશનિંગની દુકાનોને એક લિટર સિંગતેલનું પાઉચ રૂ. 97ના દરે આપવામાં આવે છે, જ્યારે દુકાનદારો લાભાર્થીઓને આ પાઉચ રૂ. 100માં વેચે છે. એટલે પ્રતિ લિટર રૂ. 3નો તફાવત રહે છે.
રાજ્યમાં રેશનિંગની દુકાનો મારફતે વિતરણ થતું એક લિટર સિંગતેલનું પાઉચ 'ગોકુલ એગ્રી ઇન્ટરનેશનલ લિમિટેડ' બ્રાન્ડનું હોવાનું અહેવાલમાં જણાવાયું છે. પાટણ જિલ્લાની આ કંપનીના ચેરમેન બલવંતસિંહ ચંદનસિંહ રાજપૂત છે, જેઓ રાજ્ય સરકારમાં પૂર્વ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. તેમના પુત્ર ધર્મેન્દ્રસિંહ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર (MD) છે.
હવે દિવાળી પહેલાં સિંગતેલનો બાકી જથ્થો પહોંચે છે કે નહીં તે મહત્વનું બન્યું છે. જો સમયસર પૂરવઠો નહીં મળે તો રેશનકાર્ડ ધારકોને તહેવાર દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.




