મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

EVENING BULLETIN / ઈરાન સામે 60 દેશો મેદાને, દિવાળી સુધી UPI ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ નહીં

ઈરાન સામે 60 દેશો મેદાને

હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાન દ્વારા આંતરરાષ્ટ્રીય જહાજો પાસેથી ગેરકાયદે ટેક્સ વસૂલવાના પ્રયાસો સામે વિશ્વના 60થી વધુ દેશો એક થઈને મેદાને આવ્યા છે. યુરોપિયન યુનિયનની આગેવાનીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જળમાર્ગો પર કોઈ પણ પ્રકારનો ગેરકાયદે ટેક્સ સહન કરવામાં નહીં આવે.

અઝરબૈજાનમાં સ્કૂલોમાં હિજાબ પર પ્રતિબંધ

મુસ્લિમ બહુમતીવાળા અઝરબૈજાનમાં ડ્રેસ કોડના નવા નિયમોના વિરોધમાં હિજાબ પહેરીને સ્કૂલે પહોંચેલી વિદ્યાર્થિનીઓને પ્રવેશ ન અપાયા બાદ મોટો વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીઓએ વર્ગોનો બહિષ્કાર કર્યો છે અને આ વિરોધ હવે પડોશી દેશ તુર્કિયે સુધી પહોંચ્યો છે.

દિવાળી સુધી UPI ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ નહીં

દેશના કરોડો નાગરિકો માટે રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારે 2,000 રૂપિયાથી વધુના પસંદગીના UPI ટ્રાન્ઝેક્શન પર 15 ઓક્ટોબરથી લાગુ થનાર MDR ચાર્જનો નિર્ણય દિવાળી પછી સુધી મુલતવી રાખ્યો છે, જેનાથી તહેવારોની મોસમમાં વેપારીઓ અને ગ્રાહકોને મોટી રાહત મળી છે.

રાહુલ ગાંધી પર ભાજપનો પલટવાર

મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આક્રમક બનેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવે છે, પરંતુ પોતાના જ સમયમાં ચીફ ઇલેક્શન કમિશનરને ગોર્વનર અને મંત્રી બનાવવાનો પોતાનો ટ્રેક રેકોર્ડ ભૂલી જાય છે.

ગાંધીનગર મનપામાં ભગવો લહેરાયો

ગુજરાતના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભાજપે ફરી પોતાનો ગઢ સાબિત કર્યો છે. કુલ 44 બેઠકોમાંથી ભાજપે પ્રચંડ બહુમતી મેળવીને 38 બેઠકો પર ભવ્ય વિજય સાથે સત્તા પર શાનદાર વાપસી કરી છે.

પાટણમાં શાહીકાંડ મામલે ઘર્ષણ

પાટણમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શાહી ફેંકવાની ઘટના બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ઘર્ષણ દરમિયાન ભાજપ મહિલા મોર્ચા પ્રમુખ ચેતનાબા રાજપૂતની આંખમાં શાહી જવાથી તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ધારપુર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે આ મામલે જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયા ઠાકોર અને પૂર્વ પ્રમુખ ભૂમિ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ સમાચાર શેર કરો