ચકલાસી નગરપાલિકામાં ભાજપને વધુ એક ઝટકો; પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલાનું રાજીનામું, જાણો કારણ

ખેડા જિલ્લાના ચકલાસી નગરપાલિકાના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. નગરપાલિકાના પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલાએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું કલેક્ટરને સુપરત કર્યું છે. પ્રમુખ સામે ભાજપના જ સભ્યો સહિત કુલ 22 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.
અંગત કારણોનો ઉલ્લેખ
પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રવિણસિંહ વાઘેલાએ પોતાના રાજીનામા પત્રમાં કૌટુંબિક, સામાજિક અને અંગત કારણોનો ઉલ્લેખ કર્યો છે. જોકે, તેમના રાજીનામા પાછળ પ્રમુખ સામે રજૂ થયેલી અવિશ્વાસની દરખાસ્ત પણ રાજકીય રીતે મહત્ત્વની બની છે. ચકલાસી નગરપાલિકામાં કુલ 28 બેઠકો છે. તેમાંથી 16 બેઠકો ભાજપ પાસે, 11 બેઠકો અપક્ષ પાસે અને એક બેઠક કોંગ્રેસ પાસે છે. આ સ્થિતિમાં ભાજપના 11 સભ્યો સહિત કુલ 22 સભ્યોએ ભાજપના જ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી.
ભાજપના બીજા પ્રમુખે રાજીનામું આપ્યું
નોંધનીય છે કે ચકલાસી નગરપાલિકામાં દોઢ વર્ષના ટૂંકા ગાળામાં ભાજપના બીજા પ્રમુખે રાજીનામું આપ્યું છે. અગાઉના પ્રમુખ ધર્મેશ વાઘેલાએ પણ પ્રમુખપદ સંભાળ્યાના માત્ર છ મહિનામાં રાજીનામું આપ્યું હતું. તેમની સામે પણ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી.
હવે પ્રવિણસિંહ વાઘેલાના રાજીનામા બાદ ચકલાસી નગરપાલિકામાં ભાજપ કોને પ્રમુખપદની જવાબદારી સોંપે છે અને નવા પ્રમુખ કેટલો સમય પદ પર રહે છે, તેના પર સૌની નજર રહેશે.





