મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

હુમલા રોકવા ₹9,500 કરોડની ઓફર! શું સાઉદી-ઈરાન સિક્રેટ ડીલથી મિડલ ઈસ્ટમાં યુદ્ધવિરામ થશે?

હુમલા રોકવા ₹9,500 કરોડની ઓફર! શું સાઉદી-ઈરાન સિક્રેટ ડીલથી મિડલ ઈસ્ટમાં યુદ્ધવિરામ થશે?
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

 સાઉદી અરેબિયા અને યમનના હુથી જૂથ વચ્ચે યુદ્ધવિરામ કરાવવા માટે ઈરાન મધ્યસ્થી કરી રહ્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઇઝરાયલના મીડિયાએ ખાડી દેશોના રાજદ્વારી સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે સાઉદી અરેબિયાએ હુથીઓને 1 અબજ ડોલર એટલે કે આશરે 9,000 કરોડ રૂપિયા આપવાની દરખાસ્ત કરી છે. આ વ્યવસ્થા હેઠળ હુથીઓ સાઉદી અરેબિયા પરના હુમલા બંધ કરે અને યુદ્ધવિરામ જાળવે તેવો હેતુ હોવાનું કહેવાય છે. જોકે, આટલી મોટી રકમની હેરફેર થઈ હોવાની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

અહેવાલો અનુસાર, સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રી પ્રિન્સ ખાલિદ બિન સલમાને તેહરાનની મુલાકાત લઈને હુથી જૂથ સાથે સંભવિત યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી હતી. એક રાજદ્વારી સૂત્રે દાવો કર્યો હતો કે સાઉદી મંત્રી જે હર્ક્યુલસ સૈન્ય પરિવહન વિમાનમાં તેહરાન પહોંચ્યા હતા, તેમાં જ આ નાણાં લાવવામાં આવ્યાં હતાં. જોકે, સાઉદી અધિકારીએ નાણાંની હેરફેર થઈ હોવાની પુષ્ટિ કરી નહોતી.

ઈરાનની મધ્યસ્થીમાં અનેક દેશોના અધિકારીઓ સામેલ

અહેવાલો મુજબ, તેહરાનમાં યોજાયેલી ચર્ચામાં તુર્કીની ગુપ્તચર એજન્સીના વડા ઈબ્રાહિમ કાલિન અને પાકિસ્તાનના લશ્કરી વડા આસિમ મુનીર પણ સામેલ હતા. આ ઉપરાંત ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન, સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરી જનરલ મોહસેન રેઝાઈ અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના વરિષ્ઠ અધિકારીઓની હાજરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે પણ પ્રિન્સ ખાલિદ બિન સલમાનની તેહરાન મુલાકાત અંગે સત્તાવાર નિવેદન આપ્યું હતું. તેમાં જણાવાયું હતું કે મક્કા સંયુક્ત સંરક્ષણ ગઠબંધનના સભ્ય દેશોના પ્રતિનિધિઓ સાથેની આ મુલાકાતનો હેતુ તણાવ ઘટાડવો, રાજદ્વારી ઉકેલોને પ્રોત્સાહન આપવું અને કતાર તથા પાકિસ્તાન દ્વારા ચાલી રહેલા મધ્યસ્થીના પ્રયાસોને સમર્થન આપવાનો છે.


ત્રણ વર્ષ જૂની સમજૂતીનો વિવાદ

સાઉદી અધિકારીના જણાવ્યા અનુસાર, હુથી જૂથ સાથેના વિવાદનો એક મહત્ત્વનો મુદ્દો ત્રણ વર્ષ પહેલાં થયેલી સમજૂતીઓના અમલ સાથે જોડાયેલો છે. આ સમજૂતી હેઠળ સાઉદી અરેબિયાએ હુથી નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં સરકારી કર્મચારીઓના પગાર ચૂકવવા અને નાગરિક માળખાકીય સુવિધાઓનું પુનર્નિર્માણ કરવા માટે સીધી નાણાકીય સહાય આપવાની હતી. તેના બદલામાં હુથી જૂથે યુદ્ધવિરામ જાળવવાનો અને સાઉદી અરેબિયા પરના હુમલા બંધ કરવાનો હતો. તાજેતરના મહિનાઓમાં હુથીઓએ સાઉદી અરેબિયા અગાઉની સમજૂતીમાંથી પાછળ હટ્યું હોવાનો આક્ષેપ કરીને પોતાના હુમલાઓનો બચાવ કર્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. બીજી તરફ, સાઉદી અરેબિયાની સ્થિતિ એવી હોવાનું કહેવાય છે કે લશ્કરી દબાણ હેઠળ નવી યુદ્ધવિરામ સમજૂતી સ્વીકારવામાં નહીં આવે. યમનની આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સરકાર પાસેથી કબજે કરાયેલા વિસ્તારો પરત સોંપવામાં આવે તે પહેલાં હુથીઓને નાણાં આપવાનો પણ સાઉદી અરેબિયાનો વિરોધ હોવાનો દાવો છે.

ઈરાનના પ્રાદેશિક પ્રભાવની કવાયત?

આ વાટાઘાટો ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે વધતા પ્રાદેશિક તણાવ વચ્ચે થઈ રહી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. સાઉદી અરેબિયાના હવાઈ મથકો અને તેલ સુવિધાઓ પરના હુમલાઓથી આર્થિક નુકસાન થયું હોવાના અહેવાલો છે. બીજી તરફ, હોર્મુઝની ખાડીમાં ટેન્કરો પરના હુમલાઓને કારણે ખાડી વિસ્તારમાંથી તેલની નિકાસ પણ ખોરવાઈ છે. ઇઝરાયલના મીડિયા અહેવાલો મુજબ, તેહરાનમાં યોજાયેલી બેઠક મક્કા સંયુક્ત સંરક્ષણ ગઠબંધનના પ્રતિનિધિઓ અને ઈરાનના નેતૃત્વ વચ્ચેની પ્રથમ સત્તાવાર બેઠક હતી. ઈરાન આ પહેલ દ્વારા પ્રાદેશિક રાજદ્વારી મધ્યસ્થી તરીકે પોતાની ભૂમિકા મજબૂત કરવા માગે છે. જોકે, હુથીઓને 1 અબજ ડોલર આપવાની દરખાસ્ત અને સાઉદી મંત્રી વિમાનમાં નાણાં લઈને તેહરાન પહોંચ્યા હોવાના દાવાની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

આ સમાચાર શેર કરો