મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

હૂથીઓના હુમલા વચ્ચે સાઉદી અરેબિયાને સૈન્ય સહાય આપશે ઇજિપ્ત

હૂથીઓના હુમલા વચ્ચે સાઉદી અરેબિયાને સૈન્ય સહાય આપશે ઇજિપ્ત
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ઈરાન સમર્થિત યમનના હૂથી વિદ્રોહીઓ દ્વારા કરવામાં આવી રહેલા હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની રક્ષા માટે ઇજિપ્તની સંસદે રાષ્ટ્રપ્રમુખ અબ્દેલ ફતાહ અલ-સિસીને લશ્કરી પગલાં લેવાની મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપ્રમુખ સિસીએ ગલ્ફ ક્ષેત્રમાં પોતાના સહયોગી અને વિશ્વના સૌથી મોટા તેલ નિકાસકાર દેશ સાઉદી અરેબિયાની સુરક્ષા માટે સંસદ પાસે સૈન્ય સહાય મોકલવાની મંજૂરી માંગી હતી, જેને સંસદના બે-તૃતીયાંશથી વધુ સભ્યોએ સમર્થન આપ્યું છે.

ઇજિપ્તનો ટેકો માત્ર સુરક્ષા પૂરતો સીમિત રહેશે

ઇજિપ્ત અત્યાર સુધી આ યુદ્ધમાં સીધી રીતે સામેલ નહોતું થયું. ઇજિપ્તના વિદેશ મંત્રી બદર અબ્દેલાતી અને ઇન્ટેલિજન્સ ચીફ હસન રશાદે રિયાધ જઈને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને રાષ્ટ્રપ્રમુખ સિસીનો પત્ર સોંપ્યો હતો. આ પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ઇજિપ્તનો સૈન્ય ટેકો યમન પર હુમલો કરવા માટે નહીં, પરંતુ માત્ર સાઉદી અરેબિયાની સરહદો અને ક્ષેત્રીય સાર્વભૌમત્વની રક્ષા પૂરતો જ સીમિત રહેશે.

હૂથીઓએ રિયાધ એરપોર્ટ અને લશ્કરી અડ્ડાઓ પર કર્યા હુમલા

આ દરમિયાન યમનના હૂથી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયાના રિયાધ સ્થિત કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમજ બે લશ્કરી અડ્ડાઓ પર મિસાઇલ હુમલા કરવાનો દાવો કર્યો છે. હૂથી લશ્કરી પ્રવક્તા યાહ્યા સરીના જણાવ્યા અનુસાર, ડઝનબંધ બેલિસ્ટિક મિસાઇલો છોડીને ત્રણ અલગ-અલગ લશ્કરી ઓપરેશન પાર પાડવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો