હૂથીઓના હુમલાને પગલે રિયાધ એરપોર્ટ પર અફરાતફરી; મુસાફરો સામાન છોડીને દોડ્યા, ભારતથી જતી કેટલીક ફ્લાઈટો રદ

સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં એક પછી એક શ્રેણીબદ્ધ પ્રચંડ ધડાકા થયા છે. આ ધડાકાઓ વચ્ચે રિયાધના કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટને નિશાન બનાવીને મોટો હુમલો કરવામાં આવ્યો છે. હુમલા બાદ સ્થિતિ વણસતાં એરપોર્ટને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યું છે. ફ્લાઈટ ટ્રેકિંગ સર્વિસ 'Flightradar24' મુજબ એરપોર્ટ પરથી તમામ ફ્લાઈટ્સની અવરજવર અટકાવી દેવામાં આવી છે. 80 મિનિટથી વધુ સમયથી કોઈ વિમાન લેન્ડ થયું નથી અને 90 મિનિટથી કોઈ ફ્લાઈટે ટેક-ઓફ કર્યું નથી.
રિયાધની ફ્લાઇટ્સ રદ: મુસાફરોને મળશે પૂરેપૂરું રિફંડ
પશ્ચિમ એશિયામાં વણસી રહેલી સ્થિતિ વચ્ચે ભારતીય એરલાઇન્સ કંપનીઓએ સાઉદી અરેબિયા માટે મોટો નિર્ણય લીધો છે. એર ઇન્ડિયા, ઇન્ડિગો અને એર ઇન્ડિયા એક્સપ્રેસે 10 ઓક્ટોબર સુધી રિયાધ આવવા-જવાવાળી તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. એરલાઇન્સ કંપનીઓએ જણાવ્યું છે કે અસરગ્રસ્ત તમામ મુસાફરોને ફ્રી રી-શેડ્યુલિંગ અથવા ટિકિટ કેન્સલેશન પર 100% પૂરેપૂરું રિફંડ આપવામાં આવશે.
આ પહેલાં દિલ્હીથી રિયાધ જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2243 ગુજરાત ઉપરથી પસાર થઈ દક્ષિણ તરફ અરબ સાગર ઉપર પહોંચ્યા બાદ સુરક્ષાના કારણોસર અધવચ્ચેથી પાછી દિલ્હી વાળી લેવામાં આવી હતી. બીજી તરફ હૈદરાબાદથી રિયાધ જતી ઇન્ડિગોની ફ્લાઇટને અધવચ્ચે સાઉદીના દમ્મામ એરપોર્ટ પર ડાયવર્ટ કરીને ઉતારવામાં આવી હતી. આ ઘટના બાદ ઇન્ડિગોએ શુક્રવારે દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદથી રિયાધ જતી તમામ ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરી દીધી છે. રિયાધ એરપોર્ટ પ્રશાસને પણ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ એરપોર્ટ પહોંચતા પહેલા પોતાની ફ્લાઇટનું સ્ટેટસ સીધું એરલાઇન પાસેથી ચકાસી લે.
હૂતીઓની ‘આખરી ચેતવણી’ અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો
હૂતી લડાકુઓએ સાઉદી એરસ્પેસમાં ઉડાન ભરતી તમામ એરલાઇન્સ કંપનીઓને આ તેમની 'આખરી ચેતવણી' હોવાનું જણાવી ઉડાનો બંધ કરવા ધમકી આપી છે. ગુરુવારે રિયાધમાં થયેલા આ હુમલા બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં પણ તીવ્ર ઉછાળો નોંધાયો છે. બીજી તરફ સાઉદી ગઠબંધન સેનાના પ્રવક્તા મેજર જનરલ તુર્કી અલ-માલ્કીએ દાવો કર્યો છે કે સેનાએ હૂતીઓ દ્વારા છોડવામાં આવેલી 2 બેલેસ્ટિક મિસાઇલો અને યમન સરહદ નજીક ખમીસ મુશેત તરફ છોડવામાં આવેલી વધુ 1 બેલેસ્ટિક મિસાઇલને હવામાં જ તોડી પાડી નષ્ટ કરી દીધી છે.
મુસાફરોમાં નાસભાગ અને એરપોર્ટ ખાલી કરાવાયું
હુમલાના પગલે એરપોર્ટ પરિસરમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને આકાશમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. તાત્કાલિક ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વહીવટીતંત્રે બહાર જતી તમામ ફ્લાઈટ્સ રદ કરી મુસાફરોને પોતાનો ચેક-ઈન સામાન ત્યાં જ છોડીને તરત બહાર નીકળી જવાનો આદેશ આપ્યો હતો. એનાઉન્સમેન્ટ થતાં જ મુસાફરો પોતાનો કિંમતી સામાન પડતો મૂકી જીવ બચાવવા બહાર દોડ્યા હતા.
હૂતી લડાકુએ લીધી હુમલાની જવાબદારી
યમનના હૂતી લડાકુઓએ સત્તાવાર રીતે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. હૂતી પ્રવક્તા યાહ્યા સારીએ પુષ્ટિ કરી કે તેમણે રિયાધના કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 2 બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો છે. તેમણે એરલાઈન કંપનીઓને ચેતવણી આપી છે કે મક્કા અને મદીના સિવાય સમગ્ર સાઉદી એરસ્પેસ પર ફ્લાઈટ્સ ન ઉડાડે, કારણ કે તેઓ આ ક્ષેત્રમાં સૈન્ય કાર્યવાહી ચાલુ રાખશે.
અગાઉના હુમલામાં પણ વિદેશી નાગરિકોના મોત થયા હતા
સાઉદી અરેબિયા પર સતત થઈ રહેલા આ મિસાઈલ હુમલાઓએ મોટી ચિંતા વધારી છે. આ પહેલા થયેલા હુમલામાં કિંગ ખાલિદ એરપોર્ટ પર સુદાનના એક નાગરિકનું મોત થયું હતું અને 8 લોકો ઘાયલ થયા હતા. જ્યારે આભા એરપોર્ટ પર કરાયેલા હુમલામાં મોરોક્કો અને અલ્જીરિયાના નાગરિકો સહિત કુલ 3 લોકોના મોત અને 28 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
સાઉદી ગઠબંધન અને હૂતીઓ વચ્ચે ભીષણ ઘર્ષણ
હૂતીઓના પ્રવક્તાએ જણાવ્યું કે, 3 ઓક્ટોબર પછી તેમણે સાઉદી અરેબિયામાં લગભગ 14 સૈન્ય અભિયાન હાથ ધર્યા છે. બીજી તરફ સાઉદીના નેતૃત્વવાળા ગઠબંધને પણ વળતો પ્રહાર કરીને યમનમાં હુમલા કરવા માટે વપરાતા મિસાઈલ પ્લેટફોર્મને નષ્ટ કર્યું હતું અને છેલ્લા 24 કલાકમાં સાઉદી સેનાએ યમનના વિવિધ વિસ્તારોમાં 156 જેટલા હવાઈ હુમલા કર્યા છે. આ દરમિયાન યમનના હોદેઈદાહ એરપોર્ટ નજીક પણ જોરદાર ધડાકા સંભળાયા છે.

