VIDEO: યુક્રેનના હુમલામાં 12 લોકોના મોત, તેલ પાઇપલાઇન પર હુમલાને રશિયાએ ગણાવ્યો આતંકવાદ
Russia Ukraine War Updates : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હુમલાઓનો

Russia Ukraine War Updates : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હુમલાઓનો સિલસિલો યથાવત છે. તાજેતરના હુમલાઓમાં કુલ 15 લોકોના મોત નીપજ્યા છે. શનિવારે રશિયાના કબજા હેઠળના ઝાપોરિઝ્ઝિયા વિસ્તારમાં આવેલા હોલિડે કેમ્પ પર યુક્રેને કરેલા હુમલામાં 12 લોકોના મોત થયા હતા, જ્યારે યુક્રેનના ઉત્તર-પૂર્વીય સુમી વિસ્તારમાં રશિયન ડ્રોન હુમલામાં 3 લોકોના મોત થયા હોવાનું સત્તાધીશોએ જણાવ્યું છે.
તેલ પાઇપલાઇન પર હુમલો, રશિયાએ ગણાવ્યો આતંકવાદ
બીજી તરફ, રશિયાએ કઝાકિસ્તાનના કેસ્પિયન પાઇપલાઇન કન્સોર્ટિયમ (CPC) પર યુક્રેન દ્વારા કરવામાં આવેલા હુમલાને 'ઊર્જા આતંકવાદ' ગણાવ્યો છે. રશિયાનું કહેવું છે કે ઈરાન યુદ્ધના કારણે પહેલેથી જ કાચા તેલના પુરવઠામાં ઘટાડો થયો છે, ત્યારે યુક્રેનના આ હુમલાથી મુશ્કેલીઓમાં વધુ વધારો થશે. ગુરુવારે યુક્રેને આ પાઇપલાઇન પર ડ્રોન હુમલો કર્યો હતો, જેના પછી તેલનો પુરવઠો ઘટાડી દેવામાં આવ્યો છે.
કાળા સમુદ્રનું ટર્મિનલ ઠપ, વૈશ્વિક બજાર પર થશે અસર
આ પાઇપલાઇનમાંથી વિશ્વના કુલ તેલ નિકાસના 2 ટકા હિસ્સાનું વહન થાય છે. રશિયન પ્રમુખ કાર્યાલય ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે તેલ પુરવઠા માટે CPC એ કઝાકિસ્તાન, રશિયા અને અમેરિકાનું સંયુક્ત સાહસ છે. શુક્રવારે કાળા સમુદ્રમાં (Black Sea) સ્થિત આ તેલ નિકાસ ટર્મિનલને સંપૂર્ણપણે ઠપ કરી દેવામાં આવ્યું છે. આ ટર્મિનલ પરથી નિકાસ અટકવાને કારણે વૈશ્વિક તેલ બજાર પર મોટી અસર પડશે. રશિયાએ સ્પષ્ટ કર્યું છે કે યુક્રેનનું આ કૃત્ય વૈશ્વિક ઊર્જા સ્ત્રોતોને જોખમમાં મૂકતો આતંકવાદી હુમલો છે.








