Video: કરાચીમાં છ માળની ઇમારત ધરાશાયી, 11નાં મોત

પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં નિર્માણાધીન છ માળની ઇમારત ધરાશાયી થતાં મોતનો આંકડો 11 સુધી પહોંચ્યો છે. કાટમાળના ગર્ભમાં જીવની આશા હજી ધબકે છે, કારણ કે બચાવકર્મીઓ સતત શોધખોળ કરી રહ્યા છે. આ દુર્ઘટનાએ શહેરની બેફામ બાંધકામ પ્રવૃત્તિ, નિયમોના ઉલ્લંઘન અને સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ખામીઓ ફરી એકવાર ઉજાગર કરી છે.
કરાચીના બલોચ કોલોની નજીક આવેલી કરાચી એડમિનિસ્ટ્રેશન એમ્પ્લોઇઝ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં છ માળની નિર્માણાધીન ઇમારત ધરાશાયી થતાં અંદર કામ કરી રહેલા 20થી વધુ મજૂરો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આશરે 600 ચોરસ યાર્ડના પ્લોટ પર બનેલી આ ઇમારતમાં બોરવેલ ખોદવાની કામગીરી ચાલી રહી હતી. બચાવકર્મીઓએ ઘટનાસ્થળે પહોંચીને આધુનિક સાધનો અને ભારે મશીનરીની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી.
શનિવાર સુધીમાં કાટમાળમાંથી 11 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે ઓછામાં ઓછા 15 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા. હજી પણ છથી સાત લોકો ગુમ હોવાનું પરિવારજનોની માહિતીના આધારે માનવામાં આવી રહ્યું છે. જોકે, તેઓ કાટમાળ નીચે જ છે કે નહીં તેની પુષ્ટિ થઈ નથી. બચાવકર્મીઓએ કાટમાળનો લગભગ 40 ટકા હિસ્સો દૂર કર્યો હતો અને શોધખોળ ચાલુ રાખી હતી. આ દરમિયાન 28 વર્ષીય માર્બલ કારીગર મુહમ્મદ આદિલને 50 કલાકથી વધુ સમય કાટમાળ નીચે ફસાયા બાદ જીવતો બહાર કાઢવામાં આવ્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ઇમારત માટે માત્ર ગ્રાઉન્ડ પ્લસ એક માળની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ નિયમોનો ભંગ કરીને છ માળ બાંધવામાં આવ્યા હતા. બાંધકામ રોકવા માટે સિંધ બિલ્ડિંગ કંટ્રોલ ઓથોરિટીએ કાર્યવાહી કરી હતી, પરંતુ માલિકે કોર્ટમાંથી સ્ટે મેળવ્યો હોવાની માહિતી સામે આવી છે. આ મામલે કોન્ટ્રાક્ટર સહિત ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી. દુર્ઘટના બાદ કરાચીમાં ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. કમિશનરના જણાવ્યા મુજબ, 36 કલાકમાં 516 અનધિકૃત ઇમારતો સીલ કરવામાં આવી હતી. સિંધ બિલ્ડિંગ કંટ્રોલ ઓથોરિટીના વડાને હટાવવામાં આવ્યા અને 16 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી








