'દાઉદ બીમાર કે લાચાર નથી, પાકિસ્તાનમાં સંપૂર્ણ એક્ટિવ છે!' પૂર્વ FBI એજન્ટ કામરાન ફરીદીનો મોટો ધડાકો, જાણો કરાચીમાં કેવી જિંદગી જીવે છે અંડરવર્લ્ડ ડોન

1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ અને ભારતના મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ હાલ ક્યાં છે, કેવી હાલતમાં છે અને શું કરી રહ્યો છે, તે અંગે અમેરિકન તપાસ એજન્સી FBI માટે કામ કરી ચૂકેલા પૂર્વ અંડરકવર એજન્ટ કામરાન ફરીદીએ અત્યંત ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
દાઉદ ઈબ્રાહિમના નેટવર્કમાં અંદર સુધી ઘૂસણખોરી કરી ચૂકેલા કામરાન ફરીદીએ એક પોડકાસ્ટ ઈન્ટરવ્યુમાં દાઉદના પાકિસ્તાન સ્થિત ઠેકાણા, તેની સુરક્ષા અને તેની અંગત જિંદગીના અનેક રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો છે.
'લાચાર બુઢ્ઢો નહીં, પાકિસ્તાનમાં સંપૂર્ણ એક્ટિવ છે દાઉદ'
કામરાન ફરીદીએ દાવો કર્યો છે કે દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં જ રહે છે અને તેનાં ત્રણ ગુપ્ત ઠેકાણા છે. તેમણે કહ્યું કે, ફિલ્મોમાં (જેમ કે 'ધુરંધર'માં) દાઉદને જે રીતે બીમાર અને લાચાર બુઢ્ઢા તરીકે બતાવવામાં આવ્યો છે તે બિલકુલ ખોટું છે; હકીકતમાં તે આજે પણ સંપૂર્ણપણે સ્વસ્થ અને સક્રિય છે.
બીજી શાદી, ડ્રગ્સ અને અય્યાશીનો શોખ
દાઉદની અંગત જિંદગી અંગે સનસનીખેજ દાવો કરતા કામરાને જણાવ્યું કે, દાઉદે પોતાના કરતા ઘણી નાની ઉંમરની યુવતી સાથે બીજા લગ્ન કરી લીધા છે. તે દેખાડા પૂરતો પોતાની જાતને ધાર્મિક ગણાવે છે, પરંતુ અસલમાં તે અત્યંત અય્યાશ મિજાજનો છે અને મુજરાનો શોખીન છે. કામરાન પોતે દાઉદ સાથે આવી અનેક પાર્ટીઓમાં જઈ ચૂક્યા હોવાનો દાવો કર્યો છે. દાઉદ હવે કોકેઈનનો નશો કરે છે અને તેની D-કંપની ભારત તથા પાકિસ્તાનમાં ડ્રગ્સના કાળા કારોબારમાં સામેલ છે.
પાકિસ્તાની સેના અને ISI ની કડક સુરક્ષા
કામરાન ફરીદીના જણાવ્યા મુજબ, દાઉદ દિવસે ક્યારેય કરાચીના રસ્તાઓ પર નીકળતો નથી, તે હંમેશા રાત્રે જ બહાર નીકળે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે પણ તણાવ વધે છે ત્યારે તે તરત જ પોતાનું ઠેકાણું બદલી નાખે છે. દાઉદ અને છોટા શકીલ પાસે દુબઈથી મંગાવેલી બુલેટપ્રૂફ ગાડીઓ છે. દાઉદની સુરક્ષામાં પાકિસ્તાની સેનાના SSG કમાન્ડો તૈનાત રહે છે, જ્યારે સુરક્ષાની સમગ્ર કમાન છોટા શકીલ સંભાળે છે. શકીલ દર શુક્રવારે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ના હેડક્વાર્ટર જઈને દાઉદની સુરક્ષાનો સંપૂર્ણ રિપોર્ટ આપે છે. આ ઉપરાંત, 1993ના બ્લાસ્ટનો અન્ય આરોપી ટાઈગર મેમણ પણ પાકિસ્તાનમાં રહીને પોતાનો ધંધો સંભાળી રહ્યો છે.
'ઈસ્લામ બાબા'ની મંજૂરી વગર નથી થતું કોઈ મોટું કામ
એક રસપ્રદ ખુલાસો કરતા કામરાને જણાવ્યું કે દાઉદ મુંબઈથી 'ઈસ્લામ બાબા' નામના એક ફકીરને પોતાની સાથે પાકિસ્તાન લઈ ગયો હતો. દાઉદ અને તેની ગેંગ કોઈ પણ મોટું કામ કરતા પહેલા ઈસ્લામ બાબાની મંજૂરી લેતા હતા અને તેમની સંમતિ બાદ જ આગળ વધતા હતા.
જાબિર મોતીવાલાની ધરપકડ અને કામરાનનો જેલવાસ
કામરાને કબૂલાત કરી કે 2018માં લંડનમાં દાઉદના ખાસ ફાઈનાન્સ મેનેજર જાબિર મોતીવાલાની ધરપકડ પાછળ તેમનો જ હાથ હતો. FBI જાબિરને અમેરિકા લાવીને દાઉદ અને લશ્કર-એ-તૈયબા વચ્ચેના આર્થિક સંબંધો સાબિત કરવા માંગતી હતી. જોકે, પાકિસ્તાનમાં રહેતા પોતાના પરિવારને દાઉદ અને ISI તરફથી ખતરો હોવાથી કામરાને અમેરિકી કોર્ટમાં જુબાની આપી ન હતી. ત્યારબાદ જ્યારે કામરાન પોતાની અમેરિકન પત્ની સાથે પાકિસ્તાન ગયા, ત્યારે દાઉદ અને જાબિરે ISI ની મદદથી તેમની ધરપકડ કરાવી મહિનાઓ સુધી જેલમાં રાખ્યા હતા. માત્ર અમેરિકન નાગરિકતા હોવાના કારણે જ તેમનો જીવ બચી શક્યો હતો અને હાલ તેઓ થાઈલેન્ડમાં રહે છે.








