ગુજરાતની હવામાં ઝેર ભળતા હોસ્પિટલો ઉભરાઈ: પ્રદૂષણથી થતી બીમારીઓના વીમા ક્લેમમાં 3 વર્ષમાં 3.7 ગણો ઉછાળો!

ગુજરાતની હવામાં ઝેર ભળતા હોસ્પિટલો ઉભરાઈ: પ્રદૂષણથી થતી બીમારીઓના વીમા ક્લેમમાં ૩ વર્ષમાં ૩.૭ ગણો ઉછાળો!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ગુજરાતમાં વધતું વાયુ પ્રદૂષણ (Air Pollution) હવે લોકોના સ્વાસ્થ્યની સાથે તેમના ખિસ્સા પર પણ ભારે પડી રહ્યું છે. હવામાં વધતા ઝેરી તત્ત્વોને કારણે શ્વસનતંત્ર અને હૃદય સંબંધિત બીમારીઓના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેની અસર હેલ્થ ઇન્શ્યોરન્સ (Health Insurance) ક્લેમમાં પણ જોવા મળી રહી છે. પોલિસીબજાર (Policybazaar)ના તાજેતરના અહેવાલ મુજબ, ગુજરાતનાં છ શહેરોમાં પ્રદૂષણ સંબંધિત બીમારીઓના વીમા ક્લેમમાં છેલ્લા ત્રણ વર્ષમાં 3.7 ગણો વધારો નોંધાયો છે. અહેવાલ અનુસાર, નાણાકીય વર્ષ 2022-23માં ગુજરાતમાં પ્રદૂષણ સંબંધિત બીમારીઓના કુલ 408 ક્લેમ નોંધાયા હતા, જે વધીને વર્ષ 2025-26માં 1,505 થયા છે. આ આંકડા દર્શાવે છે કે વાયુ પ્રદૂષણની અસર હવે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની રહી છે.

અમદાવાદમાં સૌથી વધુ વીમા ક્લેમ

શહેર પ્રમાણેના આંકડા જોઈએ તો અમદાવાદમાં સૌથી વધુ 561 ક્લેમ નોંધાયા છે. ત્યારબાદ વડોદરામાં 375 અને સુરતમાં 367 ક્લેમ નોંધાયા છે. જ્યારે વલસાડમાં સૌથી તીવ્ર વધારો જોવા મળ્યો છે. અહીં ક્લેમની સંખ્યા અગાઉની સરખામણીએ 6થી 10 ગણાથી વધુ વધીને 62 પર પહોંચી છે. આ અભ્યાસ ગુજરાતના આશરે 4,000 અને સમગ્ર દેશના 94,000 લોકોના સેમ્પલના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.

જાહેરાત

શ્વસન અને હૃદયની બીમારીઓનું પ્રમાણ વધુ

અહેવાલમાં જણાવ્યા મુજબ, કુલ વીમા ક્લેમમાંથી 38 ટકા શ્વસનતંત્રના ચેપ (Respiratory Infections) સંબંધિત છે. જ્યારે 32 ટકા ક્લેમ હૃદય સંબંધિત બીમારીઓના છે. આ ઉપરાંત ન્યુમોનિયાના 17 ટકા અને બ્રોન્કાઇટિસના 11 ટકા ક્લેમ નોંધાયા છે. એટલે કે દર 10માંથી આશરે 7 ક્લેમ શ્વસનતંત્ર અને હૃદયની બીમારીઓ સાથે જોડાયેલા છે. વયજૂથ પ્રમાણે જોઈએ તો 31થી 55 વર્ષના કામકાજી લોકોનો કુલ ક્લેમમાં 67 ટકા હિસ્સો છે. 55 વર્ષથી વધુ ઉંમરના લોકોનો હિસ્સો 23 ટકા છે. જ્યારે 21થી 30 વર્ષના લોકોમાં 8 ટકા અને 20 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં 3 ટકા ક્લેમ નોંધાયા છે.

ઓક્ટોબરથી માર્ચ દરમિયાન સૌથી વધુ અસર

પોલિસીબજારના હેલ્થ ઇન્શ્યોરન્સ વિભાગના વડા સિદ્ધાર્થ સિંઘલના જણાવ્યા અનુસાર, કુલ ક્લેમમાંથી 55થી 60 ટકા ક્લેમ ઓક્ટોબરથી માર્ચ દરમિયાન નોંધાય છે. આ સમયગાળામાં સામાન્ય રીતે હવાની ગુણવત્તા વધુ ખરાબ રહેતી હોવાથી પ્રદૂષણજન્ય બીમારીઓનું જોખમ વધે છે.

ધૂમ્રપાન ન કરનારાઓમાં પણ ફેફસાંની બીમારીઓ

અમદાવાદના પલ્મોનોલોજિસ્ટ ડૉ. તુષાર પટેલના જણાવ્યા અનુસાર, શહેરમાં બાંધકામની પ્રવૃત્તિઓ અને વાહનોના વધતા પ્રદૂષણને કારણે ઉધરસ, શરદી અને શ્વાસ લેવામાં તકલીફના દર્દીઓ વધી રહ્યા છે. હવામાં રહેલા PM2.5 અને PM10 જેવા સૂક્ષ્મ કણો ફેફસાં અને શ્વસનતંત્રને નુકસાન પહોંચાડે છે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે ધૂમ્રપાન ન કરતા લોકોમાં પણ COPD (Chronic Obstructive Pulmonary Disease)ના કેસ વધી રહ્યા છે. દિવાળી બાદ ફટાકડાના ધુમાડાએ પણ પ્રદૂષણમાં વધારો કર્યો છે. બાળકોમાં બ્રોન્કાઇટિસના કેસ વધી રહ્યા છે અને કેટલાક બાળકોને ઇન્હેલરનો ઉપયોગ કરવાની જરૂર પડી રહી છે. વધુમાં, PM2.5નું ઊંચું પ્રમાણ હૃદયરોગનું જોખમ પણ વધારી શકે છે. અહેવાલ મુજબ, વધુ પ્રદૂષિત ભારતીય શહેરોમાં 48 ટકા ગ્રાહકો હવે વધુ રકમનું હેલ્થ ઇન્શ્યોરન્સ કવર પસંદ કરી રહ્યા છે. આમ, વધતું પ્રદૂષણ હવે સ્વાસ્થ્યની સાથે પરિવારોના આર્થિક આયોજન માટે પણ ગંભીર પડકાર બની રહ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત